દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન ભીષ્મ પિતામહ અને તેના ગુરુને કૌરવની સેનામાં જુએ છે તો મોહગ્રસ્ત બનીને કર્તવ્યમૂઢ બની જાય છે.
તેનાં હથિયાર નીચે પડી જાય છે અને તેને યુદ્ધ કરવામાં અધર્મ દેખાય છે. એ સમયે સારથિ બની શ્રીકૃષ્ણ તેને જે સંદેશ આપે છે, તે ભગવદ્ગીતાના નામે આળખાયો. આ ભગવદ્ગીતાથી જ અર્જુનના મનના સંશયો દૂર થાય છે અને તે ધર્મના રક્ષણ માટે યુદ્ધ કરવા પ્રેરાય છે. ભગવદ્ગીતા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાનના મુખમાંથી નીકળી હોવાથી આ શાશ્વત ગ્રંથની જયંતી મનાવવામાં આવે છે.
ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ
ગીતાનું ચિંતન અજ્ઞાનતાના આચરણને દૂર કરીને આત્મિક પ્રગતિ તરફ મનષ્યનું ગમન કરે છે, તેથી જ ગીતાને શ્રીકૃષ્ણનો શ્વાસ અને ભક્તોનો વિશ્વાસ કહેવામાં આવે છે. જે રીતે શ્રીકૃષ્ણએ પોતાની મધુર મોરલીના સૂરથી આખાય વૃંદાવનને ઘેલું કર્યું હતું તે રીતે જ તેમણે કર્તવ્યમૂઢ બની ગયેલા અર્જુનને ગીતારૂપી જ્ઞાનગંગાથી કર્તવ્યનિષ્ઠ બનાવીને ધર્મ કાજ પ્રવૃત્ત થવાની પ્રેરણા આપી હતી. ભગવદ્ગીતામાં ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય છે. ભગવદ્ગીતા કર્મમાં પ્રેરિત પણ કરી શકે છે અને ફળની આશા રાખ્યા વગર નિર્મોહી બનીને કર્મ કરતા પણ શીખવે છે. આ રીતે ભગવદ્ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને સાંખ્યયોગનો સંગમ પણ જોવા મળે છે.
આપણા ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણ છે, જે ગીતારૂપી અમૃત પીને પરમ તત્ત્વને પામી ગયાં. ભગવદ્ગીતાએ અનેક મહાપુરુષોને ગુરુ બનીને માર્ગદર્શન આપ્યું છે. નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનાવનાર ભગવદ્ગીતા જ છે. સ્વામી વિવેકાનંદે ગીતાના ગ્રંથને પોતાના જીવનમાં ઉતારીને જાતને પરિષ્કૃત કરી હતી. ભગવદ્ગીતા પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે છે, કારણ કે ગીતામાં જ જીવનનાં યથાર્થ રહસ્યોનો ઉકેલ છે. તેમાં વેદ, પુરાણ, ઉપનિષદનો સાર છે. એટલે જ મહાભારતના રચયિતા વેદવ્યાસે ગીતા વિશે કહ્યું છે કે, `ગીતાનું શ્રવણ અને પઠન કરવાથી, પ્રત્યેક પંક્તિનું મનન કરવાથી જીવનના દરેક સંશયો શ્રદ્ધામાં પરિવર્તિત થાય છે.
ભગવદ્ગીતા મનનું વિજ્ઞાન છે
ભગવદ્ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, ગીતા એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. તે મનુષ્યના મનનું વિષ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે. જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને સાહિલ સુધી પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાના અંધકારમાંથી ઉઠાવીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતાથી મળે છે.
આ રીતે ભગવદ્ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક ગૂંચવણોને ગીતાની પંક્તિ ઉકેલી શકે છે. ભગવદ્ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામ છે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીએ. ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે.
ટૂંકમાં કહીએ તો ભક્તિ, જ્ઞાન અને કર્મનો સમન્વય ભગવદ્ગીતા છે. ગીતા એક એવો માર્ગદર્શક ગ્રંથ છે જેમાં દરેક યુગના મનુષ્યને તેની વિડંબણાનો ઉત્તર મળે છે. ગીતા માત્ર ગ્રંથ નથી, મનની દ્વિધાને હરનાર એક સંજીવની છે. ભગવદ્ગીતા જીવતા શીખવે છે અને જીવનને ધન્યતા તરફ લઈ જાય છે, તેથી જ તેને અનુપમ જીવનગ્રંથ કહેવામાં આવે છે. ભગવદ્ગીતા એવો દિવ્ય ગ્રંથ છે, જે પલાયનવાદથી પુરુષાર્થ તરફ પ્રેરિત કરે છે.
ભગવદ્ગીતાના 18 અધ્યાયોમાંથી 18 મહત્ત્વપૂર્ણ શ્લોકોને જાણીએ
ભગવદ્ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કલા શીખવતો સનાતન ગ્રંથ છે. મહાભારતના યુદ્ધ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ મનુષ્યને કર્તવ્ય, જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો માર્ગ દર્શાવે છે.
અર્જુનવિષાદ યોગ (28)
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ।
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે॥
આ શ્લોકમાં અર્જુન યુદ્ધના મેદાનમાં પોતાના સ્વજનોને જોઈને તીવ્ર હતાશા અને શોક વ્યક્ત કરે છે. તેના હાથ-પગ ઢીલા પડી જાય છે, મુખ સુકાઈ જાય છે, શરીર ધ્રૂજે છે અને રોમાંચ થાય છે.
સાંખ્યયોગ (47)
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ॥
આ ગીતાનો સૌથી પ્રસિદ્ધ શ્લોક છે. તેનો અર્થ એ છે કે, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારેય નથી. તું કર્મફળનું કારણ પણ ન બન અને કર્મ ન કરવામાં પણ આસક્ત ન થા.
કર્મયોગ (9)
યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધન:।
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગ: સમાચર॥
ભગવાનના સંતોષ માટે (યજ્ઞ રૂપે) કરેલાં કર્મ સિવાયનાં અન્ય કર્મો મનુષ્યને બંધનમાં બાંધે છે, તેથી હે અર્જુન! તું આસક્તિ રહિત થઈને તે (યજ્ઞ) હેતુથી જ કર્મ કર.
જ્ઞાનકર્મ સંન્યાસ યોગ (7)
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્॥
હે ભારત (અર્જુન)! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો વધારો થાય છે, ત્યારે ત્યારે હું (ધર્મની સ્થાપના માટે) મારી જાતને પ્રગટ કરું છું.
કર્મ સંન્યાસ યોગ (29)
ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોક મહેશ્વરમ્।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ॥
જે મનુષ્ય મને બધા યજ્ઞો અને તપોનો ભોક્તા (સ્વામી), બધા લોકનો મહાન ઈશ્વર અને સર્વ પ્રાણીઓનો પરમ મિત્ર (હિતાકાંક્ષી) જાણી લે છે, તે શાંતિને પ્રાપ્ત કરે છે.
આ અધ્યાય કર્મ અને સંન્યાસ (ત્યાગ) વચ્ચેનો ભેદ દૂર કરે છે. ભગવદ્ભાવના સાથે કર્મ કરવાથી મન શાંતિ પ્રાપ્ત કરે છે.
ધ્યાનયોગ (6)
બન્ધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મનાં જિત:।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ॥
જેણે પોતાના મન અને ઇન્દ્રિયોને જીતી લીધા છે, તેના માટે તે પોતે જ પોતાનો મિત્ર છે, પરંતુ જેણે મનને વશમાં નથી કર્યું, તેના માટે તે આત્મા (મન) શત્રુની જેમ વર્તે છે.
જ્ઞાન વિજ્ઞાન યોગ (19)
બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે।
વાસુદેવ: સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ:॥
ઘણા જન્મોના અંતે જ્ઞાની મનુષ્ય `બધું જ વાસુદેવ (કૃષ્ણ) છે’ એમ જાણીને મારા શરણે આવે છે. આવો મહાત્મા અત્યંત દુર્લભ હોય છે.
અક્ષર બ્રહ્મયોગ (6)
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે ક્લેવરમ્।
તં તમૈવેતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિત:॥
મનુષ્ય અંત સમયે જે જે ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે, તે સદા તે જ ભાવથી ભાવિત હોવાને કારણે તે ભાવને જ પ્રાપ્ત કરે છે.
રાજવિદ્યા રાજગુહ્ય યોગ (34)
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ।
મામેવૈષ્યસિ યુક્તવૈવમાત્માનં મત્પરાયણ:॥
મારામાં મનવાળો થા, મારો ભક્ત બને, મારું પૂજન કર અને મને જ નમસ્કાર કર. આ રીતે મારી સાથે જોડાયેલો રહીશ તો તું મને જ પ્રાપ્ત કરીશ.
વિભૂતિ યોગ (8)
અહં સર્વસ્ય પ્રભવો મત્ત: સર્વં પ્રવર્તતે।
ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમાન્વિતા:॥
હું જ બધાની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ બધું પ્રવર્તે છે. એવું માનીને બુદ્ધિશાળી ભક્તો ભાવપૂર્વક મને ભજે છે.
વિશ્વરૂપ દર્શનયોગ (50)
ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂય:।
આશ્વાસયામાસ ચ ભીતમેનં ભૂત્વા પુન: સૌમ્યવપુર્મહાત્મા॥
સંજયે કહ્યું : શ્રીકૃષ્ણ વાસુદેવે અર્જુનને આમ કહીને ફરીથી પોતાનું ચતુર્ભુજ સૌમ્ય રૂપ દર્શાવ્યું અને ડરેલા અર્જુનને આશ્વાસન આપ્યું.
ભક્તિયોગ (2)
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે।
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતા:॥
મારામાં મનને એકાગ્ર કરીને જે મનુષ્યો પરમ શ્રદ્ધાપૂર્વક અને નિરંતર મારા સગુણ રૂપની ઉપાસના કરે છે, તેમને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું.
ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ (20)
કાર્યકારણકર્તૃત્વે હેતુ: પ્રકૃતિરુચ્યતે।
પુરુષ: સુખદુ:ખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે॥
કાર્ય અને કારણને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ(જડ તત્ત્વ)ને હેતુ કહેવાય છે અને સુખ-દુઃખોના ભોક્તાપણામાં જીવાત્મા(પુરુષ)ને હેતુ કહેવાય છે.
ગુણત્રય વિભાગ યોગ (5)
સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણા: પ્રકૃતિસમ્ભવા:।
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્॥
હે મહાબાહુ (અર્જુન)! સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે, જે અવિનાશી જીવાત્માને પણ દેહમાં બાંધી દે છે.
પુરુષોત્તમ યોગ (15)
સર્વસ્ય ચાહં હૃદિ સન્નિષ્ઠો મત્ત: સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્॥
હું જ સર્વના હૃદયમાં રહેલો છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ થાય છે. બધા વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું અને વેદાંતનો રચયિતા તથા વેદોને જાણનારો પણ હું જ છું.
દૈવાસુર સંપદ્ વિભાગ યોગ (21)
ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મન:।
કામ: ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્॥
આત્માનો નાશ કરનારું નરક તરફ જવાનું આ ત્રણ પ્રકારનું દ્વાર છે: કામ (વાસના), ક્રોધ અને લોભ. તેથી આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.
શ્રદ્ધાત્રય વિભાગ યોગ (3)
સત્ત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત।
શ્રદ્ધામયોઽયં પુરુષો યો યચ્છ્રદ્ધ: સ એવ સ:॥
હે ભારત(અર્જુન)! બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના સ્વભાવ અનુસાર હોય છે. મનુષ્ય શ્રદ્ધામય છે. તે જેવી શ્રદ્ધાવાળો હોય છે, તેવો જ તે પોતે હોય છે.
મોક્ષ સંન્યાસ યોગ (66)
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:॥
બધા ધર્મો(કર્તવ્યો)નો આશ્રય છોડીને તું એક માત્ર મારા શરણમાં આવ. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરી દઈશ, તું શોક ન કર.
ભગવદ્ગીતા એક એવો શાશ્વત ગ્રંથ છે, જેનો મહિમા અને ઉપયોગિતા દરેક યુગમાં જીવંત રહેશે, કારણ ગીતા જ દ્વાપર યુગના અર્જુનથી લઈને આજના મનુષ્યને પણ કર્તવ્ય તરફ પ્રવૃત્ત કરે છે અને સંશયમાંથી શ્રદ્ધા તરફ પ્રેરિત કરે છે. જીવનને મંગલ તરફ લઈ જતી ગીતાનો મહિમા અનેરો છે
ગીતા આખા જગત માટે છે
ગીતાજીને શાશ્વત ગ્રંથ એટલા માટે કહેવામાં આવે છે કે ગીતાજી માત્ર અર્જુન માટે જ ન હતી. ગીતાજી એ સમગ્ર સંસારના મનુષ્યોને પ્રેરણા આપનાર ગ્રંથ છે. ગીતા દરેક યુગના અર્જુનને કર્મ કરવા પ્રેરિત કરે છે, જે જીવનના પંથ પર નિરાશ, હતાશ થઈને હથિયાર નીચે મૂકી દે છે. તે સમયે ગીતા જ ચેતનાનો સંચાર કરે છે. જીવનની આવી દરેક ક્ષણે ગીતા જ મનુષ્યનું માર્ગદર્શન કરતી રહે છે, તેથી ગીતાને સર્વશ્રેષ્ઠ ગ્રંથ કહેવામાં આવે છે. ગીતા માત્ર લાલ કપડામાં બાંધીને રાખવા માટે નથી, પરંતુ ભગવદ્ગીતાનું પઠન, શ્રવણ, મનન અને ચિંતનથી જીવનમાં શ્રેષ્ઠતાનો ભાવ આવે છે.
ગીતાને જો આત્મસાત્ કરવામાં આવે તો આપણે પણ અર્જુનની જેમ જીવનરૂપી સંગ્રામના સંઘર્ષમાંથી વિજય મેળવતા રહીએ.


