- બજેટ વહેલું લાવવાની હિલચાલ
- ગુજરાત સરકાર બજેટ વહેલું રજૂ કરે તેવી શક્યતા
- કેબિનેટ બેઠકમાં આ મામલે સૂચના અપાઈ હોવાના સંકેત
ગુજરાત રાજ્યનું બજેટ સમય કરતાં વહેલું આવી શકે છે તેવા એંધાણ છે. મહત્વનું છે કે આ મામલે ગઇકાલે મળેલ કેબિનેટ બેઠકમાં વહેલું બજેટ લાવવા સંદર્ભે મંત્રીઓને સંકેતો અપાયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેના અનુસાર રાજ્યનું બજેટ તેના નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે તેવી શક્યતાઓ નિર્માણ થવા પામી છે. નોંધનીય છે કે આ મામલે ગઈકાલે મળેલી ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને પણ સૂચના અપાઈ ગઈ હોવાની જાણકારી સામે આવી છે.
આ મામલે વધુ માહિતી અનુસાર કેબિનેટ બેઠકમાં મંત્રીઓને એક સ્પષ્ટ સૂચના અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, સૂત્રોનો દાવો છે કે આ બેઠકમાં સરકારના મંત્રીઓને તેમના વિભાગને ફાળવાયેલ બજેટની રકમ જલદી વાપરવા માટેની સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે જો આ રકમ જલદી વપરાય જાય તો બાકી બચેલા વર્ષના સમય માટે કાં તો વિભાગે વધારાના ખર્ચની નાણાં વિભાગ પાસેથી લેખિતમાં મંજૂરી લેવી પડે અથવા તો જો બધા વિભાગોના બજેટની રકમ વપરાઈ જાય તો સરકાર નિર્ધારિત સમય કરતા વહેલું બજેટ રજૂ કરી શકે છે.
આ જાણકારી સામે આવતા સૂત્રો અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને આ તજવીજ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની સંપૂર્ણ શક્યતાઓ છે, સામાન્ય રીતે રાજ્ય સરકારનું બજેટ કેન્દ્ર સરકારના બજેટ બાદ આવતું હોય છે અને આ બજેટ માર્ચ મહિનામાં સરકાર લાવતી હોય છે. પરંતુ આ વખતે ચૂંટણી અને આચારસંહિતાને લઈને સરકાર દ્વારા આ વખતે બજેટ વહેલું લાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનો સંભવ છે.