- સમયસર લોકો બહાર નીકળી જતાં દુર્ઘટના ટળી
- મકાન ધરાશાયી થતો વીડિયો સામે આવ્યો
- સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં
સુરતમાં એક ઘટના બની છે જેમાં બે માળનું મકાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. જોકે તમામ લોકો સમયસર બિલ્ડિંગમાંથી બહાર નીકળી જતાં ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આ ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના કતારગામ GIDCમાં ખાતા નંબર 732માં બે માળનું મકાન આવેલું હતું. આ મકાનમાં એમ્બ્રોડરીના ખાતા ચાલી રહ્યા હતા જ્યાં આજે સવારે 8 વાગ્યા આસપાસ મકાન ધરાશાયી થઈ ગયું હતું. સવારે એમ્બ્રોડરી ખાતું ચાલુ હતું. જોકે, અંદર રહેલા કારીગરો બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આ પછી કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બની ત્યારે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગ દ્વારા જેસીબી સહિતના સાધનો દ્વારા કાટમાળ હત્વવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળેદોડી આવ્યા હતા.
કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ટીમ ઈમરજન્સી રેસ્ક્યૂ વ્હિકલ અને સાધનો સાથે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા પ્રાથમિક તપાસમાં અંદર કોઈ માણસ ફસાયો ન હોવાનું જાણવા મળ્યું છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.