- રિપોર્ટમાં સંચાલકોની મેલી મુરાદની પોલ ઉઘાડી પડી
- ખાનગી એજન્સીના રિપોર્ટ બાદ DEOએ તપાસ સોંપતા હકીકત સામે આવી
- સ્કૂલે DEO કચેરીમા જણાવ્યુ હતુ કે, અમારી સ્કૂલનું બિલ્ડિંગ 84 વર્ષ જૂનુ છે
નવરંગપુરા વિસ્તારની માઉન્ટ કાર્મેલ સ્કૂલ બંધ કરવાનો સંચાલકો દ્વારા કારસો ઘડાયો હોવાના જે આક્ષેપો થયા હતા તેને સપોર્ટ કરતી વિગતો સામે આવી છે. બિલ્ડિંગ જર્જરીત હોવાના સંચાલકોના રિપોર્ટ બાદ શહેર ડીઈઓ દ્વારા સરકારી ઈજનેરને સોંપાયેલી તપાસમાં સંચાલકોની મેલી મુરાદની પોલ ઉઘાડી પડી છે. R&Bના ઈજનેર દ્વારા સ્પષ્ટ અહેવાલ અપાયો છે કે, માઉન્ટ કાર્મેલ સ્કૂલના બિલ્ડિંગમા કોઈ ખરાબી નથી અને વપરાશ માટે યોગ્ય જણાય છે.
શહેરના નવરંગપુરા વિસ્તારની અંગ્રેજી માધ્યમની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ 6થી 12 અંગ્રેજી માધ્યમમાં 1,600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલનું બિલ્ડિંગ જર્જરીત હોવાનું કારણ આપી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવાની સંચાલકો દ્વારા વાલીઓને સૂચના અપાતા રોષ ફેલાયો હતો અને આ અંગેની DEO કચેરીમાં પણ રજૂઆત પહોંચી હતી. સ્કૂલે DEO કચેરીમા જણાવ્યુ હતુ કે, અમારી સ્કૂલનું બિલ્ડિંગ 84 વર્ષ જૂનુ છે અને બિલ્ડિંગનો સ્ટ્રકચરલ રિપોર્ટ મેળવવા એક કંપનીને કામગીરી સોંપાઈ હતી. જેમાં એવો રિપોર્ટ આવ્યો છે કે, બિલ્ડિંગ વપરાશ માટે લાયક નથી. બાદમાં શહેર DEO રોહિત ચૌધરી દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી બિલ્ડિંગની ચકાસણી માટે R&Bના ઈજનેરને તપાસ સોંપાઈ હતી. દરમિયાન અમદાવાદના કાર્યપાલક ઈજનેર દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ રજૂ કરાયો છે. રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સ્થળ મુલાકાત દરમિયાન શાળાનાં મકાનમાં દેખીતી દૃષ્ટીએ ખરાબી જણાતી નથી અને વપરાશ માટે યોગ્ય જણાય છે. આ કચેરીનું માનવુ છે કે, મકાનનો વિગતવાર સ્ટ્રક્ચરલ અહેવાલની જરૂરીયાત ઉપસ્થિત થાય તો માર્ગ-મકાન વિભાગની આલેખન વર્તુણ કચેરી પાસે ચકાસણી કરાવવી. મહત્ત્વની વાત એ છે કે, પ્રથમ દૃષ્ટિએ જ મકાન વપરાશ માટે લાયક ન હોવાનો ખાનગી એજન્સીએ રિપોર્ટ તૈયાર કર્યો કે પછી કરાવાયો તેવા સવાલો પણ ઉપસ્થિત થાય છે. શાળામાંથી એકેય વિદ્યાર્થીને ટ્રાન્સફર કરવાની જરૂર ન હોવાનું અમદાવાદ ડીઈઓએ જણાવ્યુ હતું.


