- દારૂના નશામાં ધૂત નબીરાએ 8 માસૂમોને કચડ્યાં
- 5 દિવસ પહેલાં થયેલા અકસ્માતે તથ્યકાંડની યાદ અપાવી હતી
- વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો નબીરો
આણંદનાં નાવલી ગામ નજીક અમદાવાદનાં તથ્ય કાંડને ભુલાવે તેવો અકસ્માત સર્જી ચાર લોકોનાં મોત નિપજાવનાર કાર ચાલક આરોપીની આણંદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરવામાં આવી છે. જેના વિરૂદ્ધમાં સાપરાધ માનવવધ અને દારૂબંધીની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
નાવલી ગામના જેનીસ પટેલએ લંડન પરત જતા પહેલા પોતાનાં મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ દારૂનાં નશામાં ધુત થઈ પોતાની કાર પુરપાટ ઝડપે હંકારીને નાવલી ગામ નજીક ગત ગુરૂવારની રાત્રિના સુમારે ત્રણ ત્રણ બાઈકોને ટક્કર મારી અકસ્માત સર્જીને ચાર લોકોનાં મોત નિપજાવ્યા હતા. જયારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ બાઈકોનો ફુરચે ફુરચા ઉડી ગયા હતા. તેમજ કારનો પણ લોચો વળી ગયો હતો.
આ ઘટનાને લઈને લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. ગોઝારો અકસ્માત સર્જનાર કાર ચાલક જેનિસ પટેલને લંડન પરત જવાનું હોઈ તેને બચાવવા માટે તેના પરિવારે પ્રયાસ હાથ ધર્યા હતા તેમજ કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાની વાતો ફેલાવી હતી.
જો કે પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા કારમાં એરબેગ પર લોહીનાં ડાઘા પડેલા હોઈ કાર ચાલક પણ ઘાયલ થયો હોવો જોઈએ. આ પછી તાત્કાલીક આણંદની જુદી જુદી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરતા આણંદની આયરીસ હોસ્પિટલમાંથી અકસ્માત સર્જનાર કાર ચાલક જેનિસ પટેલ મળી આવતા પોલીસે હોસ્પિટલમાં પોલીસ જાપ્તો ગોઠવી દીધો હતો.
જ્યારે ત્રણ દિવસ બાદ કાર ચાલક જેનીસ પટેલને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવતા પોલીસે આરોપી જેનિસ પટેલની અકસ્માતનાં ગુનામાં ધરપકડ કરી. આ પછી તેનું મેડીકલ ચેકઅપ કરાવતા અકસ્માત સમયે જેનીસ પટેલ દારૂના નશામાં હોવાનો અહેવાલ મળતા પોલીસે અકસ્માતના ગુનામાં સાપરાધ માનવવધ અને દારૂબંધી ધારાની કલમોનો ઉમેરો કર્યો હતો અને તેની પુછપરછ હાથ ધરી છે.


