- મમતા સરકારે હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો
- સંદેશખાલી મામલે મમતા બેનરજી સરકારને મોટો આંચકો લાગ્યો છે
- શાહજહાં અને સંદેશખાલી કેસ બંને CBIને સોંપવા કલકત્તા HCનો આદેશ
સંદેશખાલી મામલે મમતા બેનરજી સરકારને મોટો આંચકો લાગ્યો છે. કલકત્તા હાઇકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાં અને સંદેશખાલી કેસ બંને સીબીઆઇને સોંપવા મંગળવારે આદેશ કર્યો. બીજી તરફ હાઇકોર્ટના આ આદેશને મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ શાહજહાંની કસ્ટડી મેળવવા સીબીઆઇની ટીમ પશ્ચિમ બંગાળ પોલીસના મુખ્યાલયે પહોંચી હતી. જોકે પશ્ચિમ બંગાળ પોલીસે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીનું કારણ ધરીને કસ્ટડી સોંપવા ઇનકાર કર્યો હતો અને CBIની ટીમ ખાલી હાથે પાછી ફરી હતી. નોંધનીય છે કે સંદેશખાલીમાં ઇડીના અધિકારીઓ પર ગત પાંચ જાન્યુઆરીએ હુમલો થયો હતો. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના મિનાખાનના એક ઘરમાંથી ગયા અઠવાડિયે શાહજહાંની ધરપકડ કરાઇ હતી.
ઇડીના અધિકારીઓ પર હુમલાની તપાસ માટે સીબીઆઇ અને પશ્ચિમ બંગાળ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવાના હાઇકોર્ટની સિંગલ બેન્ચના આદેશને ઇડી અને પશ્ચિમ બંગાળ સરકાર બંનેએ પડકાર્યો હતો. ઇડીની માગ હતી કે માત્ર સીબીઆઇને તપાસ સોંપવામાં આવે જ્યારે રાજ્ય સરકારે સ્ટેટ પોલીસને તપાસ સોંપવા માગ કરી હતી.
મામલો શું છે?
ઇડી પીડીએસ કૌભાંડ મામલે શેખ શાહજહાંના પરિસરોની તલાશી લઇ રહી હતી તે દરમિયાન ટોળાંએ ઇડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. ઇડીએ નિવેદન જારી કરીને હુમલા અંગે કહ્યું હતું કે તેના અધિકારીઓને જાનથી મારી નાખવાના ઇરાદે 800થી 1,000 માણસોના ટોળાંએ હુમલો કર્યો હતો. શાહજહાં સામે સંદેશખાલીમાં મહિલાઓના જાતીય ઉત્પીડનનો અને લોકોની જમીનો પચાવી પાડવાનો પણ આરોપ છે.


