- બેખોફ બનેલા કેટલાક ડીલરોએ તહેવારોમાં નંબર પ્લેટ વિના જ વાહનો વેચ્યા
- હવે RTOના રિપોર્ટના આધારે વાહન વ્યવહાર કમિશનર પોતાની ફુરસદે નિર્ણય લેશે
- પરિપત્રમાં સમય મર્યાદાનો ઉલ્લેખ નહીં હોવાથી કમિશનર પોતાની અનુકુળતાએ નિર્ણય કરશે
નવા વાહનના પુરાવા અથવા વેચાણમાં ખોટું કરનાર વાહન ડીલરો સામે સ્થાનિક આરટીઓ કાર્યવાહી કરતી હતી. પરંતુ હવે વાહનના ટીસી રદ-સસ્પેન્ડ કરવાની સત્તા આરટીઓ પાસેથી છીનવી વાહનવ્યવહાર કમિશનરે પોતાની પાસે લઇ લીધી છે. ગાંધીનગરથી કાર્યવાહીનો કોઇ ડર ના હોય તેમ કેટલાક વાહન ડીલરોએ તહેવારમાં ખુલ્લેઆમ નંબર પ્લેટ વગર વાહનો વેચ્યા છે. જેની સામે વાહનવ્યવહાર કમિશનર કચેરી ચૂપકિદી સેવી રહ્યું છે. અગાઉ આરટીઓ પાસે ટીસી કાર્યવાહીની સંપૂર્ણ સત્તા હતી. હવે આરટીઓએ વાહન ડીલરને રૂબરૂમાં સાંભળ્યા પછી સંપૂર્ણ કાર્યવાહીનો ગાંધીનગર રિપોર્ટ મોકલવાનો રહે છે, પરિપત્રમાં સમય મર્યાદાનો ઉલ્લેખ નહીં હોવાથી કમિશનર પોતાની અનુકુળતાએ નિર્ણય કરશે. અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ, બાવળા અને ગાંધીનગર આરટીઓ-એઆરટીઓ કચેરીઓ દ્વારા પૂરતા પુરાવા સહિતની ઓનલાઇન પ્રક્રિયા પૂરી નહીં કરનાર વાહન ડીલરોને માત્ર નોટીસ અપાય છે. નોટીસ આપ્યાના આંકડા જાહેર થયા પછી આરટીઓ-એઆરટીઓ, ઉચ્ચ અધિકારીઓના દબાણથી રદિયો આપે છે. પરંતુ સબંધિત વાહન ડીલરો સામે કાર્યવાહી કરતા નથી. જેના લીધે કેટલાક વાહન ડીલરો હવે છાકટા બની રહ્યા હોવાનો કેટલાક વાહન ડીલરોએ જ આક્ષેપ કર્યો છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, રાજ્યની 37 આરટીઓ-એઆરટીઓ કચેરીમાં નાના-મોટા થઇને ત્રણથી ચાર હજાર વાહન ડીલરો છે. નાના વાહન ડીલરો નિયમ મુજબ કાર્યવાહી નહીં કરી વાહનનું નિયમ વિરુદ્ધ વેચાણ કરી દેતા હોય છે. કેટલાક મોટા વાહન ડીલરો પણ ખોટુ કરે છે. તહેવારમાં તો અધૂરા પુરાવાની સાથે નંબર પ્લેટ વગર વાહનોનું વેચાણ કરી દેવાય છે. આમ છતાં સ્થાનિક આરટીઓ અધિકારીઓ અનદેખી કરી રહ્યા છે. જ્યારે ગ્રાહકો આરટીઓમાં ફોનથી કે રુબરુમાં ફરિયાદ કરે તો અધિકારીઓ ગાંધીનગર જવાનું કહીને હાથ ઉંચા કરી રહ્યા છે. આરટીઓ કચેરીમાં અધિકારીઓ માત્ર કાગળો ચેક કરવા બેઠા હોય તેમ લોક ફરિયાદોની જવાબદારી સ્વિકારતા નથી.


