- વેલેન્ટાઇન ડે પહેલાં 70 વર્ષના પ્રેમનો અંત
- હાથમાં હાથ પરોવીને દેહ ત્યાગ્યો; બાજુબાજુમાં કબર
- એગ્ટને 2019માં બ્રેઇન હેમરેજ થયું હતું તેમનાં પત્ની યુજેન પણ બીમાર રહેતાં હતાં
બુધવારે 14 ફેબ્રુઆરીએ દુનિયા આખી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરે છે અને પ્રેમી-પ્રેમિકા પ્રેમનો સ્વીકાર કરે છે. આ દિવસ પહેલાં નેધરલેન્ડ્સમાં 70 વર્ષના પ્રેમનો અંત થયો હતો. નેધરલેન્ડ્સના પૂર્વ વડાપ્રધાન ડ્રાઇસ વેન એગ્ટ અને તેમનાં પત્ની યુજેને એકસાથે પ્રાણ ત્યાગ્યા છે. બંને 93 વર્ષનાં હતાં. પતિ-પત્ની એકબીજાના હાથમાં હાથ પરોવીને કાયદેસર ઇચ્છામૃત્યુથી મૃત્યુને શરણ ગયાં હતાં. આ દંપતીએ પાંચમી ફેબ્રુઆરીએ કાયદેસર રીતે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું હતું. એગ્ટ અને તેમનાં પત્ની યુજેન બંને થોડા સમયથી બગડતા આરોગ્યને લીધે પરેશાન હતાં.
ડ્રાઇસ વેન એગ્ટ 1977થી 1982 દરમિયાન નેધરલેન્ડ્સના વડાપ્રધાન હતા. તેઓ નેધરલેન્ડ્સની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક અપીલ પાર્ટીના પ્રથમ નેતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એગ્ટને 2019માં બ્રેઇન હેમરેજ થયું હતું. ત્યાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થયા. તેમનાં પત્ની યુજેન પણ બીમાર રહેતાં હતાં. બંને માટે હરવાફરવાનું મુશ્કેલ થઈ ગયું હતું. જોકે પતિપત્ની એકબીજા વગર રહી શકતાં નહોતાં, તેથી બંનેએ એકસાથે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું હતું. પતિ એગ્ટ પોતાનાં પત્નીને હમેશાં માય ગર્લ કહીને બોલાવતા હતા. રિપોર્ટ અનુસાર, એગ્ટ અને તેમનાં પત્ની યુજેનને બાજુ બાજુની કબરમાં દફનાવવામાં આવ્યાં હતાં. નેધરલેન્ડ્સમાં ડુઓ યૂથેનેસિયા કે ઇન્જેક્શન આપીને ઇચ્છામૃત્યુનું ચલણ વધી રહ્યું છે. આ દેશમાં દર વર્ષે લગભગ એક હજાર લોકો મૃત્યુ માટે ઇચ્છામૃત્યુ પસંદ કરે છે. એકલા 2022ના વર્ષે અહીં 29 દંપતીએ ઇચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો હતો.
નેધરલેન્ડ્સમાં 2000ના વર્ષે યૂથેનેસિયા એટલે કે ઇચ્છામૃત્યુને કાયદેસર માન્યતા મળી હતી. આ કાયદા હેઠળ પીડિત વ્યક્તિ છ પરિસ્થિતિઓમાં મૃત્યુની માગણી કરી શકે છે. એવી બીમારી હોય જેમાં અસહ્ય પીડા થતી હોય, જેની સારવાર ન હોય કે આરોગ્યમાં સુધારાની કોઈ શક્યતા ન હોય તેવી બીમાર વ્યક્તિ ઇચ્છામૃત્યુની માગ કરી શકે છે.


