- સુરત પોલીસે મહેકાવી માનવતા
- કિશોરની બેભાન થતાં તેને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી
- આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે
સુરતમાં ખાખીનો માનવીય ચહેરો લોકો સામે ઉજાગર થવા પામ્યો છે. જી હા અહીં કોર્ટરૂમમાં એક 16 વર્ષીય કિશોરી બેહોશ થઈ ગઈ હતી, ત્યારે તેને ત્યાં હાજર સુરત પોલીસના કર્મચારીએ ઉંચકી લીધી હતી અને તેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.
આમ તો ખાખી માટે કહેવાય છે કે એની દુશ્મની પણ સારી નહીં અને દોસ્તી પણ સારી નહી, ટૂંકમાં સામાન્ય માણસનો પોલીસ સાથેનો સંબંધ કોઈ પણ રીતે સારો નહીં એવું કહેવતોમાં અને ફિલ્મો તેમજ ધારાવાહિકોમાં આપણને દેખાડવામાં આવ્યું છે. પરંતુ ઘણીવાર આ જ બધી વસ્તુઓના પ્રભાવ હેઠળ આપણે એ ભૂલી જઈએ છીએ કે આખરે તો ખાખી એટલે કે પોલીસ પણ માનવ જ છે અને તેના તમામ કર્મચારીઓના હૃદયમાં ક્યાંકને ક્યાંક માનવીય સંવેદનાઓ જરૂરથી વસતી હોય છે. જ્યારે જ્યારે પણ પોલીસ કામગીરીની કોઈ નબળી ઘટના સામે આવે ત્યારે આપણાં રક્ષકો પર માછલાં ધોવાય છે પરંતુ જ્યારે એ જ ખાખી કોઈ જરૂરિયાતમંદની મદદ કરે ત્યારે તેને સલામ કરવા માટે પણ આપણાં હાથ ઉઠવા જરૂરી બની જાય છે.
આવી જ એક ઘટના હાલમાં સુરતમાં બનવા પામી છે જ્યાં સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. અહીં એક કોર્ટ રૂમમાં સુનાવણીની કાર્યવાહી ચાલુ હતી, ત્યારે બફારા અને અતિશય ગરમીના લીધે એક 16 વર્ષીય કિશોરની તબિયત લથડી હતી. જેના કારણે ચાલુ કોર્ટમાં કિશોરીને ચક્કર આવતા તે બેહોશ જેવી થઈ ગઈ હતી. આ દૃશ્ય જોતાં જ રાંદેર પોલીસના પીએસઆઈ બીએસ પરમારે પળવારના પણ વિલંબ વિના ધસી જઈ યુવતીને પડતા બચાવી હતી, અને તેને ખભે ઉંચકી લીધી હતી. મહત્વનું છે કે કોર્ટરૂમ ત્રીજા માળે આવેલો છે છતાં પણ પોલીસ કર્મચારીએ લિફ્ટની રાહ ન જોતાં કિશોરીને ઉંચકીને સીડીઓથી નીચે આવી તેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. આ દરમિયાન એક લેડીઝ પોલીસ કર્મચારી પણ બીએસ પરમારની સાથે હતી જેથી કિશોરીને કોઈ વધારે સમસ્યા થાય તો તેની મદદ કરી શકે.
હાલ સૂત્રોએ જણાવ્યાનુસાર આ કિશોરી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. જેથી તે બેહોશ થઈ ગઈ હતી, જો કે રાંદેર પોલીસના પીએસઆઈ બીએસ પરમારે સમયસચૂકતા વાપરીને કિશોરીની મદદ કરતા તેને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવું શક્ય બની શક્યું હતું. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા સહિતના ઘણાં માધ્યમો પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખાખીના આ માનવીય ચહેરાની દિલ ખોલીને પ્રશંસા પણ કરી રહ્યા છે અને તેને સલામ પણ કરી રહ્યા છે.