- ગેરકાયદેસર અમેરિકા જતા ભારતીયોની ફ્રાન્સમાં અટકાયતનો મામલો
- અગાઉ પાંચ ચાર્ટર્ડ ફ્લાઇટમાં 1200થી વધુ ભારતીયો અમેરિકા પહોંચ્યા
- મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા
ગેરકાદેસર વિઝા રેકેટની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમ કેસમાં આગળ વઘે તે પહેલા ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર પેટ્રોલ ભરાવવા માટે રોકાયેલી ખાનગી કંપનીની ફ્લાઇટમાં માનવ તસ્કરી થઇ રહ્યાની શંકાને પગલે ફ્રાન્સ ઓથોરિટીએ તે પ્લેનને રોકીને તપાસ શરૂ કરી હતી. જે બાદ ભારતીય ઇમીગ્રેશન વિભાગ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
રોમાનિયાની લિજેન્ડ એરલાઇનના વિમાનમાં અગાઉ પણ દુબઇથી પાંચ વાર ભારતીયોને લઇને ફ્લાઇટ વેટ્રી એરપોર્ટ પર ફ્લુઅલીંગ માટે આવી હોવાનું સામે આવ્યું છે. તે માહિતીને આધારે ભારતીય એમ્બેસીએ એરલાઇન કંપની પાસે ભાડાના ફ્લાઇટમાં અગાઉ ગયેલા તમામ ભારતીય મુસાફ્રોની યાદી મંગાવી છે. અગાઉ પાંચ ફ્લાઇટમાં 1200થી વધુ ભારતીયો અમેરિકા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા વિવિધ રાજ્યોની સ્થાનિક પોલીસને આ અંગે તપાસ માટે તૈયાર રહેવા માટે સૂચના આપી છે. ફ્રાન્સમાં વિમાનને રોકી રખાતા મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા એજન્ટો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવામાં ઉત્તર ગુજરાતના રાજુ સરપંચ અને કિરણ પટેલ વચેટિયા તરીકે ભૂમિકા ભજવતા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
ફ્રાન્સના પાટનગર પેરિસની નજીક વેટ્રી એરપોર્ટ પર શુક્રવારે 300થી વઘુ ભારતીયોને લઇને જઇ રહેલું રોમાનિયાનું લિજેન્ડ એરલાઇનનું વિમાન ફ્યુઅલિંગ માટે લેન્ડ થયું હતું. તે દુબઇથી સેન્ટ્લ અમેરિકા પાસે આવેલા નિકારાગુઆ દેશના એરપોર્ટ પર જઇ રહ્યું હતું. ત્યારે ફ્રાન્સના ઇમીગ્રેશન વિભાગે વિમાનને કબ્જે કરીને 300 ભારતીય મુસાફ્રોની એરપોર્ટ પર ગ્રાઉન્ડ કર્યા હતા. જેમાં 96 ગુજરાતીઓ છે. આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપુત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.
એટલું જ નહીં, અગાઉ પાંચ વખત આ રૂટથી ભારતીય પેસેન્જરો નિકારાગુઆ અને ત્યાંથી ગેરકાયદે અમેરિકા પહોચ્યા હોવાની વાત સામે આવી છે. અત્યાર સુધીમાં આ પ્રકારે 1200થી વધુ ભારતીયો ગેરકાયદેસર અમેરિકા ગયાની હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે કબૂતરબાજીના સૌથી મોટા કૌભાંડની શંકાએ ભારતીય ઇમીગ્રેશન વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઇમીગ્રેશન માફ્યિા શશી રેડ્ડી દ્વારા દુબઇથી નિકારાગુઆ થઇને અમેરિકા ગયેલા તમામ ભારતીયોની યાદી રોમાનીયાની લિજેન્ડ એરલાઇન પાસે મંગાવી છે. તેમજ સ્ટેટ ઇન્ટેલીજન્સ વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરાઇ છે.
સીઆઇડી ક્રાઇમને જેમ જેમ ઇનપુટ મળી રહ્યા છે તે રીતે તપાસ શરૂ કરવામાં આવી છે
આ સમગ્ર કેસમાં ફ્રાન્સની એજન્સીઓ દ્વારા અમને જેમ-જેમ ઇનપુટ આપી રહ્યા તેના આધારે અમે તપાસ કરી રહ્યા છે. ત્યારે હાલમાં દિલ્હી અને ગુજરાતના એજન્ટોની સંડોવણી સામે આવી છે તેમજ લોકલ એજન્ટોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે, તેવું સીઆઇડી ક્રાઇમના એડીશનલ ડીજી રાજકુમાર પાંડેયને જણાવ્યુ હતું. લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવામાં જેનું નામ ખૂલ્યું છે તે દિલ્હીનો શશી રેડ્ડી મૂળ હૈદરાબાદી છે.
કબૂતરબાજીના એજન્ટો અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાના કપલ દીઠ દોઢ કરોડ રૂપિયા લેતા હતા
ગેરકાયદેસર અમેરિકા પહોચાડવાના કેસમાં કબૂતરબાજીના એજન્ટો ભારતમાંથી અમેરિકા જવા ઈચ્છતા લોકોને શોધીને તેમની પાસેથી એક કપલના દોઢ કરોડ ખંખેરતા હતા અને તેમાંથી વચેટિયાઓને થોડા રૂપિયા આપતા હતા. ઘણા સમયથી આ કબૂતરબાજી ચાલી રહી હોવાની શંકા સેવાઈ રહી છે.


