ભગવાનની કથા; ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શિવ એમની કથા અત્યંત ગૂઢ છે. ગોસ્વામીજી કહે છે, હું એક જડ-મૂઢ જીવ રામની કથાને કેવી રીતે સમજું? હું કલિના મલથી ગ્રસિત છું અને વિમૂઢ છું. મારું સ્થાન નથી વક્તામાં કે નથી શ્રોતામાં. હું વિમૂઢ છું, કલિમલગ્રસિત છું, કેવી રીતે સમજું? ત્યાં `માનસ’માં શ્રોતાનાં લક્ષણો પણ દર્શાવાયાં છે.
શ્રોતા સુમતિ સુસીલ સુચિ કથા રસિક હરિદાસ
જ્યારે આટલાં લક્ષણોવાળાં શ્રોતા મળી જાય ત્યારે વક્તા ગોપ્યમાં ગોપ્ય રહસ્યો પણ એની સામે પ્રકાશિત કરી દે છે. સુમતિ; શ્રોતા સદ્બુદ્ધિ ધરાવતા હોય. શ્રોતા સુશીલ હોય, શીલવાન હોય, સુમતિવાન હોય. કથામાં આપણે જઈએ છીએ તો નહાઈ-ધોઈને જઈએ છીએ; સ્વચ્છ કપડાં પહેરીને જઈએ છીએ. એ તો થવું જ જોઈએ; કરવું જ જોઈએ, પરંતુ ગોસ્વામીજી કહે છે શુચિ, પવિત્રતા; શ્રોતા પવિત્ર મનવાળા હોય. કથારસિક; શ્રોતા કથાના રસિયા હોય; કથાના રસના પરમ ભોક્તા હોય અને હરિદાસ હોય; પરમાત્માના ભક્ત હોય; પરમાત્માના પ્રેમી હોય; પરમાત્માના કિંકર હોય. શિવજી કહે છે, હે ભવાની, જો આટલાં લક્ષણોવાળાં શ્રોતા મળી જાય તો સાધુજન ગુપ્તમાં ગુપ્ત રહસ્ય ખોલી દે છે.
`માનસ’ના સ્તર પર, `માનસ’ના ચારેય સંવાદના શ્રોતા આપણે જોઈએ તો સૌથી પહેલા શ્રોતા તો છે તુલસીનું મન. તુલસીના ગુરુ વારંવાર કથા સંભળાવે છે; તુલસી સાંભળે છે; સ્વીકારે છે કે મારા મનમાં વાત નથી બેઠી; જ્યારે વાત બેઠી ત્યારે ફેંસલો કર્યો કે હવે આ કથાને હું ભાષાબદ્ધ કરીશ જેથી મારા મનને બોધ થાય. મનની સાથે વિરોધનો સંબંધ ન રાખો, બોધનો સંબંધ રાખો. મનનો વિરોધ કરવામાં કોઈ જીત્યું નથી. `માનસ’ના બીજા શ્રોતા છે ભરદ્વાજજી; જે સંગમી શ્રોતા છે. યાજ્ઞવલ્ક્યજીનાં ચરણોમાં બેસીને એ કથાનું અમૃત પીએ છે. ત્રીજા શ્રોતા છે પરામ્બા ભગવતી પાર્વતી, જે કૈલાસના શિખર પરથી વેદવિદિત વટવૃક્ષની છાયામાં ભગવાન વિશ્વનાથ મહાદેવના મુખેથી કથા સાંભળે છે. ચોથા શ્રોતા છે ખગપતિ ગરુડ, જે પરમ બુદ્ધપુરુષ બાબા કાગભુશુંડિ પાસેથી કથા સાંભળે છે.
ઉપનિષદોમાં શ્રોતા-વક્તાનાં ઘણાં લક્ષણો દર્શાવ્યાં છે. એનો આપણે સારાંશ કાઢી શકીએ છીએ. `કઠોપનિષદ’માં જ્યારે નચિકેતા યમાચાર્યના દ્વાર પર જાય છે ત્યારે યમરાજ અને નચિકેતાની વચ્ચે જે વાતચીત થઈ છે; શ્રોતા અને વક્તાનો જે સંવાદ થયો; ત્યાં પણ શ્રોતા અને વક્તાનાં લક્ષણોનું અદ્ભુત નિરૂપણ થયું છે. શ્રોતા નચિકેતા જેવા હોવા જોઈએ. નચિકેતાની કથા તો જાણીતી છે. એનો બાપ એક બહુ મોટો યજ્ઞ કરતો હતો. યજ્ઞના સમાપનમાં બ્રાહ્મણોને ગાયોનું દાન કરતો હતો, પરંતુ એવી ગાયોનું દાન કરતો હતો, જે હવે ક્યારેય દૂધ આપવાની ન હોય; કોઈ કામની ન હોય; એટલે એ દાનમાં આપી દો! એક બાળક નચિકેતાએ એનો વિરોધ કર્યો કે આ કોઈ દાન છે?
બાપના અહંકારને ચોટ લાગી અને કહ્યું, નાદાન બાળક, તું મને સલાહ આપી રહ્યો છે? હું તને યમરાજના દ્વારે મોકલી દઉં છું. નચિકેતા નામનો બાળક બાપના એ શાપને કારણે યમરાજના દ્વારે પહોંચે છે અને જ્યારે એ યમરાજના દ્વાર પર પહોંચે છે ત્યારે યમરાજ ત્યાં હાજર નથી. ત્રણ દિવસ ખાધા-પીધા વિના નચિકેતા ત્યાં પડ્યો રહ્યો! નચિકેતા ગયો. શ્રોતાએ જવું પડે છે. આપણે કોઈ બુદ્ધપુરુષ સાથે શ્રવણ કરવા માટે જવું પડે છે અને એવા બુદ્ધપુરુષ પાસે જવું જે કેવળ સ્થૂળ દૃષ્ટિએ ઊંચા ન હોય, પરંતુ જેમની અવસ્થા ઊંચી હોય.
શ્રોતા પિતૃભક્ત, માતૃભક્ત અને શ્રદ્ધાવાન હોવા જોઈએ. એ બાળક પિતૃભક્ત હતો. પિતાએ આક્રોશમાં એને કહી દીધું કે હું તને મૃત્યુ પાસે મોકલું છું. તો એને થયું કે જાણે પિતાની આજ્ઞા છે. એ પિતૃભક્ત નચિકેતા શ્રદ્ધાનું સંબલ લઈને યમાચાર્યના દ્વાર પર પહોંચે છે. શ્રોતા નચિકેતા જેવા શ્રદ્ધાવાન હોવા જોઈએ.
ત્રીજું લક્ષણ; નચિકેતા યમરાજને દેવ માનીને ત્રણ દિવસ એના દ્વાર પર પ્રતીક્ષામાં પડ્યો રહ્યો; ભૂખ્યો-તરસ્યો ઊભો રહ્યો. જુઓ, શ્રોતાનાં લક્ષણ. એ વિચારે છે કે યમાચાર્ય આવશે; મારા પિતાએ મને મોકલ્યો છે. આચાર્ય આવશે; મને જ્ઞાનદાન આપશે. એમ એ ભૂખ્યો-તરસ્યો ત્રણ દિવસ પડ્યો રહ્યો. હું એમ નથી કહેતો કે આજના શ્રોતા પણ ભૂખ્યા-તરસ્યા રહે. ભૂખ્યા એટલે એક બુભુક્ષા અને તરસ્યા એટલે પિપાસા. હું જાણીને જઈશ; હું અમૃત પીને જઈશ એ લગન, એ લાલસા હોવી જોઈએ. શ્રોતાનું આ એક લક્ષણ.
શ્રોતા સત્યનિષ્ઠ હોવા જોઈએ. સત્યનિષ્ઠાનો મતલબ છે, શ્રોતા એમ માને છે કે જે બુદ્ધપુરુષ પાસે હું ગયો છું એની જીભેથી ક્યારેય અસત્ય નહીં નીકળે. આપણી સત્યનિષ્ઠા ભલે ન હોય, પરંતુ જે બોલી રહ્યા છે એમના સત્ય પર આપણી નિષ્ઠા હોય. એ શ્રોતાનું લક્ષણ છે.
શ્રોતા વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાની ખૂબ જ લાલસા રાખે છે. મને અહીંથી વિવેક મળશે, વૈરાગ્ય મળશે. હું કહું કે મને એમની પાસેથી સમજ મળશે અને સમર્પણ મળશે. નચિકેતાની માફક શ્રોતા તીવ્ર બુદ્ધિવાળા હોય અને ચિત્ત એટલું તૈયાર હોય કે બુદ્ધપુરુષ જે પણ કહેશે એને ગ્રહણ કરી લેશે. એવું શ્રોતાનું ચિત્ત હોય. શ્રોતા દુશ્ચિત્ત ન હોય; વિક્ષિપ્ત ન હોય. એને બોધ આપનારા યમાચાર્ય જન્મનાં રહસ્યોને પણ જાણતા હોય, જીવનનાં રહસ્યોને પણ જાણતા હોય અને મૃત્યુનાં રહસ્યોને પણ જાણતા હોય. જે મૃત્યુના રહસ્યને જાણે છે એ જ જીવન અને જન્મનાં રહસ્યોને જાણી શકે છે; આ તો યમાચાર્ય છે, મૃત્યુના દેવતા છે. વક્તા એવા હોવા જોઈએ જે જન્મ, જીવન અને મૃત્યુનાં રહસ્યોને જાણીને ખોલતા હોય. ક્યારેક ક્યારેક કેવું થાય છે કે જે ખુદ આપણે નથી સમજ્યા એ આખી દુનિયાને સમજાવવાની ચેષ્ટા કરીએ છીએ!
શ્રોતાનું એક બહુ મોટું અને મહત્ત્વનું લક્ષણ. નચિકેતાને યમાચાર્ય ઓફર કરે છે કે તને સ્વર્ગ આપી દઉં; તને હીરા-માણેક આપી દઉં; સ્વર્ગની અપ્સરાઓ તારી સેવા કરશે. કેવાં કેવાં પ્રલોભન આપ્યાં! પરંતુ સ્વર્ગ અને ભોગની ઉપેક્ષા કરતો નચિકેતા પોતાની વાત પર મક્કમ રહ્યો. કહ્યું, મને આધ્યાત્મવિદ્યા આપો. શ્રોતા એવા હોવા જોઈએ જે સ્વર્ગની કે ભોગોની અપેક્ષા ન રાખે. એ નચિકેતાનું લક્ષણ છે અને વક્તા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. જ્ઞાન, ભક્તિ, કર્મ, વૈરાગ્યમાં ડૂબેલા શ્રોતા-વક્તાનું મિલન થાય છે. તો `શ્રોતા વક્તા ગ્યાન નિધિ.’ ત્યાં જન્મનાં, જીવનનાં અને મૃત્યુનાં ગૂઢમાં ગૂઢ રહસ્યોને ખોલી દેવામાં આવે છે.


