- અધ્યાપકોની બદલીઓમાં નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાથી શિક્ષણ વિભાગની તાકીદ
- બદલીઓ માટે વર્ષમાં બે વાર કેમ્પની જોગવાઈ છતાં પાલન થતુ ન હોવાનો ઘટસ્ફોટ
- ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નિયામકને ઉદેશી લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ
રાજ્યની સરકારી કોલેજોમાં ફરજ બજાવતાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2ની બદલીઓમાં નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નિયામકને ઉદેશી લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, સરકારી કોલેજના અધ્યાપકોની બદલીઓમાં વર્ષમાં બે વાર કેમ્પ કરવાની જોગવાઈ હોવા છતા પાલન કરવામાં આવતુ નથી. આ સિવાય સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે, અધ્યાપકોની બદલી નિયામક કચેરી કરી શકશે નહી.
શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્રના માધ્યમથી જણાવ્યુ છે કે, 15 માર્ચ-2012ના ઠરાવમાં સ્પષ્ટ પણે જણાવાયુ છે કે, મદદનીશ પ્રાધ્યાપકોની સ્વવિનંતી સંહિતની તમામ બદલીઓ માટે દર વર્ષે ઉનાળુ અને શિયાળુ વેકેશન એમ બે વાર કેમ્પ યોજીને કરવાની સૂચના આપવામાં આવી હોવા છતા તેનું પાલન કરવામાં આવતું નથી. જેથી આ ઠરાવમાં આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. ઠરાવની જોગવાઈ અનુસાર પ્રાધ્યાપકોની સ્વવિનંતીની બદલીઓમાં વર્ષમાં બે વાર કેમ્પ કરવાનો રહેશે. વધુમા જણાવ્યુ છે કે, છેલ્લા 3 વર્ષમાં જે મદદનીશ પ્રાધ્યાપકોની બદલી થયેલ છે તે તમામને પણ સદર કેમ્પમાં બદલીનો લાભ આપવાનો રહેશે તથા બદલી અંગેના કેમ્પમાં વિભાગના એક પ્રતિનિધિને અચૂક હાજર રાખવાના રહેશે. આ સિવાય 16 જાન્યુઆરી-2024ના હુકમ મુજબ વર્ગ-2ના કર્મચારી-અધિકારીની બદલીની સત્તા વિભાગના વડાને પહોચતી હોઈ, કેમ્પથી થનાર બદલીઓની વિભાગના વડાની મંજુરી મેળવવાની રહેશે તથા બદલીના હુકમ વિભાગ કક્ષાએથી જ કરવાના રહેશે.
કામગીરી ફેરફાર માટે પણ વિભાગીય વડાની મંજૂરી ફરજિયાત
સરકારી કોલેજના અધ્યાપકોની કામગીરી ફેરફારથી અપાતી નિમણુકોને લઈ પણ ફરિયાદો ઉઠી છે. જેથી વિભાગ દ્વારા આ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે કે, સરકારી કોલેજના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-2ની કામગીરી ફેરફારથી નિમણૂંકો પણ નિયામકની કચેરી દ્વારા પોતાની રીતે કરી શકાશે નહી. આ માટે સિંગલ ફાઈલ રજૂ કરવાને બદલે વિભાગનને વિધિસર દરખાસ્ત કરવાની રહેશે અને વિભાગ દ્વારા કામગીરી ફેરફારના હુકમ કરવામાં આવશે. અત્યારસુધીમાં કામગીરી ફેરફારને કારણે કરેલ તમામ બદલીઓ અંગે નવેસરથી વિગતવાર દરખાસ્ત કરી વિભાગના વડાની પૃાદવર્તી મંજૂરી મેળવી લેવાની રહેશે.


