- મકાન પર મોર્ગેજ લોન મેળવી ફરિયાદીને રૂપિયા ન ચૂકવ્યા
- બનાવટી કંપનીઓ ઉભી કરી એક કરોડ ત્રણ લાખની લોન મેળવી
- ખોટા આઇટી રિટર્ન અને દસ્તાવેજો બનાવી રૂપિયા કર્યા ટ્રાન્સફર
હાલમાં લોકો શોર્ટકટથી પૈસા કમાવવાની વૃત્તિ રાખી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વધુ એક મોટા બેન્ક કૌભાંડથી સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર પણ હચમચી ગયું છે. અમદવાદની કલર મર્ચન્ટ બેન્કમાંથી મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. અહીં એક કરોડ 3 લાખની લોન લઇને રૂપિયાને સગેવગે કરાયા હોવાની વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં કલર મર્ચન્ટ બેન્કનું વધુ એક મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. કલર મર્ચન્ટ બેન્કમાંથી ખોટા દસ્તાવેજના આધારે લોન લેવામાં આવી છે અને બાદમાં તેના રૂપિયા સગેવગે કરાયા હોવાની વાત સામે આવી છે. આ મામલે બેંકના જનરલ મેનેજર કિન્નર શાહ, ચેરમેન બિમલ પરીખ અને એજન્ટ ચિંતન શાહ અને દિનેશ દેસાઈ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હાલમાં બેન્કના મેનેજર, ચેરમેન અને એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં ફરિયાદીના મકાન પર મોર્ગેજ લોન લેવામાં આવી હતી. તેમજ તપાસ દરમિયાન ફરિયાદીને રૂપિયા ચૂકવવામાં આવ્યા ન હતા. આ સમગ્ર મામલામાં ફરિયાદી અને તેમની પત્નીના નામે લોન લેવા માટે બનાવટી કંપનીઓ ઉભી કરાઇ હતી. જેના દ્વારા એક કરોડ ત્રણ લાખની લૉન મેળવવામાં આવી હતી.
એટલું જ નહીં ફરિયાદીના નામના બનાવટી આઇટી રિટર્ન અને બીજા કેટલાય દસ્તાવેજો બનાવવામાં આવ્યા અને લૉનના રૂપિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ દાખલ કરીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.