- સરકાર સેવામાં નવા યુવાનોને જોડવામાં આવશે
- તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારોને અપાશે નિમણૂક પત્રો
- ગાંધીનગરમાં 10 નવેમ્બરે યોજાશે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ
ગુજરાત સરકારના કાર્યબળમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકારી કર્મચારીઓના બેડામાં નવા 4500 કર્મચારીઓ જોડાવા જઈ રહ્યા છે. આ માટેનો સરકારી કાર્યક્રમ 10 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે.
મહત્વનું છે કે સરકારી પરીક્ષા પાસ કરીને કસોટીમાં ઉત્તીર્ણ થયેલા 4500 જેટલા યુવાન યુવતીઓનું આખરે સરકારી નોકરીનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 10 નવેમ્બરે સરકાર દ્વારા આ તમામ ઉમેદવારોને આધિકારિક નિમણૂંક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવશે. આ માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ ઉમેદવારોએ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ પાસ કરી છે. જેને લઈને તેમને નિમણૂંક પત્રો આપવાનો આ કાર્યક્રમ છે.
આ પહેલા જો કે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને તેમના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે આ તમામ નવા ઉમેદવારોને આધિકારિક રીતે સરકારી નોકરીના નિમણૂંકપત્રો આપી તેમને સરકારી સેવામાં જોડવામાં આવશે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે આ પાસ થયેલા તલાટી અને જુનિયર ક્લાર્કના ઉમેદવારોને તેમના જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીવાંચ્છું યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. લોકો ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં મોંઘા મોંઘા ભાવના કોચિંગ ક્લાસ જોઈન કરીને સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય છે. લોકોમાં સરકારી નોકરીને લઈને જાગૃતિ વધી છે ત્યારે રાજ્ય સરકાર પણ બદલાતા સમયની સાથે પોતાના માનવબળમાં નવા યુવાન લોકોને જોડીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને વધુ ટેક્નોસેવી તેમજ વધુ જવાબદાર બનાવવાના અભિગમ સાથે કાર્ય કરી રહી છે. આવનારા સમયમાં વધુ યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ કરાવવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.