- મેડિકલ સહિતની સંસ્થાઓમાં રેગિંગના દૂષણ મુદ્દે હાઈકોર્ટમાં જવાબ
- હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો PILમાં સરકારનું સોગંદનામું
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના અધિકારીઓ-હોદ્દેદારો કડક અમલવારી માટે જવાબદાર રહેશે
ગુજરાત રાજયની મેડિકલ કોલેજો સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગીંગના દૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, રેગિંગના દૂષણને નાથવા રાજય સરકાર દ્વારા હાયર એજયુકેશન ઈન્સસ્ટ્ટયૂટસ (ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો)માં નિયમનકારી નિર્દેશો સાથેનું જાહેરનામું જારી કરશે અને તેની અસરકારક અમલવારી કરાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના અધિકારીઓ-હોદ્દેદારો કડક અમલવારી માટે જવાબદાર રહેશે.
એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલની બી.જે.મેડિકલ કોલેજ, વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠ સહિતની સંસ્થાઓમાં રેગીંગની ઘટનાઓની ગંભીર નોંધ લઇ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની રિટ અરજી દાખલ કરી હતી. આ સુઓમોટો પીઆઇએલમાં કોર્ટ સહાયક(એમીકસ કયુરી) તરીકે નીમાયેલા એડવોકેટ અમિત પંચાલ દ્વારા રાજયની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગીંગના દૂષણને નાથવા રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને ચોક્કસ માર્ગદર્શિકા અને સર્વગ્રાહી નીતિ ઘડવા બહુ મહત્ત્વની ભલામણ સાથેના સૂચનોનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો, જેનો રાજય સરકાર દ્વારા અગાઉ સ્વીકાર કરાયો હતો.
દરમ્યાન રાજય સરકાર તરફ્થી વધુ એક સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, રેગીંગના દૂષણને નાથવા એમસીઆઇ, એઆઇસીટીઇ અને યુજીસીએ રેગ્યુલેશન્સ બનાવ્યા છે. જેના ભંગ બદલ પણ સજાની જોગવાઈ છે. તેની કોપી પણ અદાલતના રેકર્ડ રજૂ કરાઈ હતી. જો કે, સરકારે રજૂ કરેલા સોંગદનામામાં અનુક્રમણિકાની સ્પષ્ટતા નહી હોવાથી હાઇકોર્ટે ફઇલિંગ સુધારવા સૂચનો આપવાની તત્પરતા દર્શાવી હતી. હાઇકોર્ટે સરકારે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં નિયમનકારી રેગ્યુલેશન્સ અને માર્ગદર્શિકા જારી કરવાની વાત કરી તેમાં કોર્ટ સહાયક અમિત પંચાલના સૂચનો લેવા પણ સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.


