ધાંગધ્રા-માલવણ-અખિયાણા હાઇ-વે પર સર્જાયો અકસ્માત, ત્રણેય મૃતક સુરેન્દ્રનગર પંથકના
સુરેન્દ્રનગરના માલવણ-ધાંગધ્રા હાઇ-વે પર અંદાણીના ગેસ પમ્પ નજીક ગઇકાલે રાત્રે પૂરપાટ ઝડપે જતી આઇ-૨૦ કાર આગળ જતા ટ્રકની પાછળ ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કાર એટલી ઝડપે હતી કે, કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. મૃતક યુવાનોમાં એક ગેડિયા જ્યારે અન્ય લખતર અને ખેરવા ગામના રહેવાસીઓ છે. અકસ્માતનો આ સમગ્ર બનાવ નજીકમાં જ આવેલા અદાણીના ગેસ પમ્પના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે.
અખિયાણા-માલવણ-ધાંગધ્રા રોડ પર આજે પરોઢિયે સર્જાયેલા અકસ્માતની વિગત એવી છે કે, ગેડિયા ગામે રહેતા વસીમખાન બિસ્મિલ્લાખાન મલેક, ખેરવા ગામના સાહિલખાન હુસેનખાન તેમજ લખતર ગામે રહેતા હજરતખાન દિવાન નામના ત્રણેય યુવાન આઇ-૨૦ કાર લઇને જતા હતા. કાર અદાણીના ગેસ પમ્પ પાસે પહોંચી હતી. કારની સ્પીડ એટલી હતી કે, આગળ જતા એક ટ્રકને ઓવરટેક કરવા જતા ચાલક સ્ટીયરીંગ પરનો કાબૂ ગેમાવી બેઠો હતો અને કાર ટ્રકની પાછળ ઘુસી ગયા હતા. કારના આગળના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં ચાલક અને તેમની બાજુમાં બેઠેલા યુવાનોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાછળ બેઠેલા યુવાનને વિરમગામ હોસ્પિટલે લઇ જતી વખત રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
કારના પતરા તોડીને મૃતદેહ બહાર કાઢવા પડ્યાં
અકસ્માતની આ ભયાનકતા અદાણી ગેસ પમ્પના સીસીટીવી કેમેરામાં આવી ગઇ છે. વિડિયો ફૂટએજ જોતા કંપારી છૂટી જાય તે રીતે કાર ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. કારના પતરા કટરથી કાપીને કારચાલક અને બાજુમાં બેઠલા યુવાનના મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.


