દિવાળી અને તેની સાથે જ ક્રિકેટનો તહેવાર પણ પૂરો થયો છે ત્યારે હવે માંગલિક પ્રસંગોની સિઝન પૂર બહારમાં ખીલશે અને વેપાર ઉદ્યોગ ધમધમશે
લગ્નસરાની તૈયારીઓ અગાઉથી જ થવા લાગી હોય છે, પણ દિવાળી ને દેવદિવાળી પછી માંગલિક પ્રસંગોની તૈયારીઓ દેખાવા લાગતી હોય છે. સમય અનુસાર સામાજિક પ્રસંગોમાં પણ ટ્રેન્ડ બદલાતા રહે છે અને એ બાબતમાં ગુજરાતીઓ કાયમ આગળ હોય. ફિલ્મોમાં ગુજરાતી અને પંજાબી શાદી દેખાડવી પડે – બંગાળી અને સાઉથ ઇન્ડિયન ફ્લેવર્સ પણ તેમાં આવે. ઘણી વાર આપણને એમ થાય કે ફિલ્મોનો ટ્રેન્ડ લગ્ન સમારોહમાં આવી રહ્યો છે કે પછી ગુજરાતી અને પંજાબી મેરેજની ધૂમધામ એવી હોય કે ફિલ્મવાળાએ તેને સ્ક્રિપ્ટમાં સમાવી લેવી પડે!
તહેવારો અને સામાજિક પ્રસંગો સાથે માનવજીવનું અર્થતંત્ર પણ સંકળાયેલું છે એટલે દરેક પરિવાર પોતાના ગજા પ્રમાણે પ્રસંગને પાર પાડે ત્યારે અનેક પરિવારોને પણ આવકના પ્રસંગો ઊભા થાય છે. ધંધા સાથે આનંદ અને ઉત્સવને જોડવાની આ રીત ન્યારી છે અને ગુજરાતી પ્રજાએ તેને કાયમ આગળ રાખી છે.
આ વખતે પણ ગુજરાતમાં હવે લગ્નસરાની તૈયારીઓ સાથે કેટલાક ટ્રેન્ડ્સ દેખાશે. કેટલાક તદ્દન નવા હશે, જ્યારે કેટલાક ટ્રેડિશનલ હશે જેનું પુનરાગમન થશે. ચક્ર ચાલતું રહેતું હોય છે અને તેમાં નવા માણસોને નવું લાગે, જ્યારે જૂના માણસોને જૂનું લાગતું હોય છે. બંનેમાં પારિવારિક આનંદ કેન્દ્રમાં રહે છે. દાખલા તરીકે અગાઉના જમાનામાં સમયની અનુકૂળતા હતી એટલે માસી, ફૂઈ વહેલાસર આવી જતા હતા. ઘરે જ બધું તૈયાર કરવાનું હોય – પાપડ અને સેવ પાડવાથી માંડીને ગામડામાં તો લાડવા બનાવવા માટેની તૈયારી ઘરે જ થઈ જતી. પિરસવાનો એક આનંદ હતો, પણ તેમાં વ્યવહારુ રસ્તો અપનાવીને બૂફે ગામડે ગામડે વર્ષોથી પહોંચી ગયું છે.
હવે મહેમાનોને પ્રસંગે સાચવી લેવાની અલગ રીત એ ચાલી છે કે સૌ આવી પહોંચે અને સહિયારો આનંદ માણે. એક જમાનામાં સૌ સાથે મળીને કામ કરીને આનંદ જ માણતા હતા. જાતમહેનતનો આનંદ જ અનેરો હોય છે. મોહનથાળ અને ગુંદી જાતે પાડી હોય પછી મહેમાનોને તે આગ્રહ કરીને આપવાનો અનેરો ઉત્સાહ હોય છે. આજે જમાના અનુરૂપ જાતે કશું કામ કરવાના બદલે સમગ્ર રીતે પાર્ટી પ્લોટમાં પેકેજમાં આયોજન થઈ રહ્યું છે. એ પણ કંઈ ખોટું નથી, કેમ કે સમયનો અભાવ થયો છે ત્યારે પરિવારના લોકો આવી પહોંચે ત્યારે પ્રસંગ માણવાનો હોય છે અને સાથે રહેવાનો હોય છે. અર્થતંત્રનું જે ચક્ર ચાલે છે તેના કારણે પરિવારો પણ એટલા સદ્ધર થઈ શક્યા છે કે પેકેજ આપીને પ્રસંગ પાર પાડી શકે.
સમગ્ર પેકેજ પારિવારિક આનંદનું થઈ પડે છે. ક્યાંક અતિરેક લાગતો હોય તેની અવગણના કરવા જેવી છે, કેમ કે સૌને પોતાનો પ્રસંગ આગવો લાગતો જ હોય છે અને પોતાની રીતે જ તે પાર પડતો હોય છે. સમગ્ર રીતે આનંદ માણી લેવાનો હોય છે, એમાં ક્યાંય દેખાદેખીની વાત આવતી નથી. એ પણ એક નવો ટ્રેન્ડ છે કે દેખાદેખીની વાત અને વાંક કાઢવાની વાત પણ પ્રસંગે પૂરી થઈ ગઈ છે. હવે પ્રસંગે સેલ્ફીઓ પાડવાની હોય છે, રિલ્સ બનાવવાની હોય છે અને પોસ્ટું મૂકવાની હોય છે. એટલે કેવા ઉતારા આપીશું એની મીઠી ટકોરના બદલે હવે મજ્જાની સેલ્ફીઓ અને પોસ્ટુંથી સૌ આનંદ માણે છે અને વહેંચે છે.
આ વર્ષની લગ્નસરાની મોસમને પણ ગુજરાતીઓ, સૌરાષ્ટ્રના લોકો અને રાજકોટ વાસીઓ એવી જ રીતે માણશે એવું અત્યારે લાગી રહ્યું છે. પાર્ટી પ્લોટ માટેના અવનવા પેકેજ તૈયાર થઈ ગયા છે અને તેના માટેનું બાર્ગેનિંગ પણ થઈ ગયું છે. પાર્ટી પેકેજનું બાર્ગેનિંગ વળી એક અનોખી કલા થઈ પડ્યું છે. તમારી આસપાસમાં પ્રસંગ પાર પાડી ચૂકેલા કોઈને પૂછી લેજો… અવનવું જાણવા મળશે અને તેમાંથી તમને નવો આઈડિયા પણ સૂઝશે. તમારા એ આઇડિયાઝને શેર કરજો સૌ સાથે, કેમ કે પેલી વાંક કાઢવાની વૃત્તિ સાવ અદૃશ્ય થઈ જાય તોય મજા ના આવે. નકરું ગળ્યું મજા ના આવે, જરાક તીખું અને ખાટું જોઈએ. એટલે ટૂંકમાં જે કરવું હોય તે કરજો, પણ ખુશ થજો, કેમ કે આપણા સામાજિક અને માંગલિક પ્રસંગો આખરે સૌનું માંગલ્ય કરનારા જ રહ્યા છે અને રહેશે.