રાજકોટ અને ગુજરાત આવવા મળ્યું એ મારા માટે પણ ભાગ્યની વાત છે : વિદેશમંત્રીની રાજકોટ મુલાકાતમાં સટીક વાતો
યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં આંતરરાષ્ટ્રીય કૂટ નીતિનો ભાગ બનવાને બદલે ભારતની અલગ લાઇન ક્રૂડ ખરીદી મામલે હિમ્મત ભર્યા નિર્ણયો લેવામાં વડાપ્રધાનના સહભાગી રહેલા દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આજે રાજકોટ ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં આવ્યા હતાં. પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમ ખાતે તેમણે બુધ્ધીજીવીઓને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત ભાગ્ય વિધાતા વિષય પર મને સંવાદ કરવાનો મોકો મળ્યો છે. પરંતુ હુ માનુ છું કે મને ગુજરાત અને રાજકોટ આવવાનો મોકો મળ્યો છે તે પણ મારું ભાગ્યનું વિધાન છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે દેશ અને વિશ્વમાં જબ્બર પરિવર્તનો ચાલે છે. મારે નિયમિત રીતે વિશ્વના દેશોનો પ્રવાસ કરવાનો હોય છે અને હું પરિવર્તનના પ્રવાહો અનુભવું છું. દેશમાં પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ વિશ્વની ભારત પ્રત્યેની સોચમાં પરિવર્તન હું જોઇ રહ્યો છું. તેમના પુસ્તક વહાય ઇન્ડિયા મેટર્સનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભારત તમામ ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહ્યું છે. કોઇપણ દેશની જનતા નક્કી કરે છે કે તેમને પ્રગતિ કઇ દિશામાં કરવી છે. ચૂંટણી સંદર્ભે તેમણે કહ્યું હતું કે લોકશાહી દેશમાં દર પાંચ વર્ષે લોકોને ભાગ્ય વિધાતા બનવાનું હોય છે. દેશની પ્રગતિને આગળ લઇ જવા માટે તેમણે આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા અપીલ કરી હતી. આ ખીચોખીચ સભામાં સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડો.વલ્લભ કથીરિયા, અનુપમ દોશી, શૈલેષ જાની, મયુર શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખીચોખીચ ભરાઇ ગયો હતો.


