- દિવાળી છે ઉજાસનો પ્રતીક
- ચક્ષુ દિવ્યાંગ બહેનો બનાવે છે દીવા
- લોકો માટે આ દીવા લાવશે પ્રકાશ
દિવાળીને તહેવારોનો રાજા કહેવામાં આવે છે. તેને સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર અંધારામાં ઉજાસનો પ્રતીક છે, પ્રકાશનો પ્રતીક છે. આવી જ આ દિવાળીમાં અનેક પ્રેરણાદાયી ઘટનાઓ જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદની આંખોથી દિવ્યાંગ બહેનોની છે જેમના દીવા ઘણાં ઘરોમાં દિવાળી નિમિત્તે પ્રકાશ રેલાવશે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં માનવમંદિર પાસે એક અંધ કન્યા પ્રકાશ ગૃહ નામની સંસ્થા આવેલી છે. જેના દ્વારા આંખોથી દિવ્યાંગ હોય એવી બહેનો માટે શિક્ષણ, રહેવા અને રોજગારની અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને તેમને બધી રીતે સક્ષમ બનાવવાની પહેલ હાથ ધરવામાં આવે છે. ઘણાં વર્ષો જૂની આ સંસ્થાની દિવ્યાંગ બહેનોએ એક એવી પહેલ હાથ ધરી છે જે ઘણાં લોકો માટે પ્રેરણાનો પ્રકાશ લાવી શકે છે.
હકીકતે આ બહેનો દ્વારા દિવાળીના દીવા બનાવવમાં આવી રહ્યા છે. આ દીવા આગામી દિવાળી પર્વમાં વેચાણ અર્થે મૂકવામાં આવશે. જેની આવક આ બહેનો માટે વપરાશે. આ દીવા સામાન્ય રીતે જોવા જઈએ તો માર્કેટમાં મળતા હજારો દીવાની જેવા જ લાગી રહ્યા છે પરંતુ જ્યારે તમે તેને બનાવવાની પ્રક્રિયા જોશે ત્યારે તમને ખબર પડશે આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખાસ દીવા છે. હકીકતે આ દીવા ચક્ષુઓથી દિવ્યાંગ આ બહેનોએ બનાવેલા છે જેનાથી ઘણાં લોકોના ઘરોમાં દિવાળી પર્વ દરમિયાન પ્રકાશ રેલાશે.
ખાસ તો જો દિવ્યાંગ બહેનો પોતાને દિવ્યાંગ ન માનીને પૂર્ણ સામર્થ્ય સાથે જે રીતે દીવા બનાવી રહી છે તેનાથી ખરી રીતે સમાજમાં એક નવા વિચારનો પ્રકાશ ફેલાય તે પણ સંભવ છે. આમ આ દિવાળીએ એક નવા પ્રેરણાદાયી વિચારને આ સ્ત્રીઓ દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે જેમની આંખે ઈશ્વરે કાયમ અંધારાનો વાસ કર્યો છે એ સ્ત્રીઓ આજે અનેક ઘરોમાં પોતે દિવાળી નિમિત્તે પ્રકાશ રેલાવવામાં નિમિત્ત બનશે એ એક પ્રેરણાદાયી વિચાર છે. ખાસ તો આજના સમયમાં પણ દિવ્યાંગ લોકોને લઈને તેમની સક્ષમતા અને સામર્થ્ય પર જે રીતે વિશ્વાસ ન કરીને તેમને સામાન્ય લોકોની જેમ સમાન તક નથી મળતી આ દીવાની ઘટના આવા પ્રકારની સામાજિક કુરીતિ અને વિચારધારા પર એક સણસણતો તમાચો છે. એક સામાન્ય માણસ તરીકે આપણે પણ આપણી રૂઢિગત વિચારધારાને બદલી આ મહિલાઓના પ્રયાસને વધાવી તેને વધારે મજબૂત કરીએ એજ આજના સમયની ખરી જરૂરિયાત છે.