- કેનેડામાં રામ મંદિરને લઈ ભારે ઉત્સાહનો માહોલ
- ભારત સાથે તણાવ ભર્યા સંબંધો વચ્ચે કેનેડાની અનોખી પહેલ
- વિદેશમાં પણ શ્રીરામ મંદિરને લઈ ગજબનો ઉત્સાહ
અયોધ્યા ધામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની હવે ઘડીઓ ગણાઈ રહી છે. તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આ અવસરે દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકાના પાડોશી દેશ કેનેડામાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત સપ્ટેમ્બરથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધમાં ખટાશ હોવા છતાં જસ્ટિન ટુડ઼્રોની સરકારે હિંદુ આસ્થાને ધ્યાને લઈ 22 જાન્યુઆરી આજના દિવસે વિશેષ દિવસ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
કેનેડાના ઓંટારિયોમાં આવેલા ઓકવિલે અને બ્રેમ્પટન શહેરોમાં સત્તાવાર રીતે 22 જાન્યુઆરીને વિશેષ દિવસ જાહેર કરાયો છે. 22 જાન્યુઆરીના મહત્ત્વને જોતા ઓકવિવેના મેયર રોબ બર્ટન અને બ્રેમ્પટનના મેયર પેટ્રિકે હિંદુ સમુદાયની આસ્થાને માન રાખ્યું છે. તેમને અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનના સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ પર ભાર મુક્યો હતો. તેમને રામ મંદિરના ઉદઘાટનને શાંતિ, એકતા અને સદભાવના મૂલ્યોનું પ્રમાણ જણાવ્યું હતું.
500 વર્ષની પ્રતીક્ષાનો અંત
કેનેડાની સ્થાનિક સરકારે રામ મંદિર ઉદઘાટન સાથે સંકળાયેલા મહત્ત્વના સન્મામમાં 22 જાન્યુઆરી 2024ને વિશેષ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 500 વર્ષોથી જેની વાટ જોવાયા બાદ અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની આગેવાની કરશે.
આ પ્રસંગે દેશભરથી જાણીતા લોકોને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ અપાયું છે. વિદેશમાં પણ શ્રીરામ મંદિરને લઈ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકા, હંગેરીની રાજધાની બુડાપેસ્ટ, બ્રિટન, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ છે. આ પ્રસંગે બ્રિટન અને અમેરિકામાં ઠેર-ઠેર પ્રભુ શ્રીરામના બેનર લગાવવામાં આવ્યા છે.


