- નવા વર્ષને લઈ ભક્તોનો ધસારો
- ડાકોરમાં મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી
- રણછોડરાયને શિશ નમાવવા ભક્તોમાં થનગનાટ
ગુજરાતમાં દિવાળી બાદ નવું વર્ષ શરૂ થાય છે, આજે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે, આ નવા વર્ષના પ્રારંભે હિન્દુ સમાજના લોકો પોતાના ઇષ્ટદેવ, માતાજી અને અન્ય દેવી-દેવતાઓના દર્શન માટે પહોંચે છે, આવો જ કંઇક નજારો આજે ગુજરાતના જુદાજુદા મંદિરોમાં જોવા મળી રહ્યો છે. જેમાં પણ ડાકોરના રાજા રણછોડરાયજી મંદિરમાં તો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
નવા વર્ષના પ્રારંભે લોકોએ માતાજી, ઈષ્ટદેવ અને કુળદેવીના ચરણે શિશ નમાવી આશિષ લેવા માટે મંદિરો અને ધર્મસ્થાનો પર આજે ભીડ જમાવી હતી. વહેલી સવારથી જ ગુજરાતના દરેક મોટા નાના-મોટા ધર્મસ્થાનોમાં આજે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં પણ ખેડા જિલ્લામાં આવેલા રાજા રણછોડરાયજીના ડાકોર મંદિરમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીં પ્રાત:કાળથી જ ભાવિકો કાળિયા ઠાકોર એવા રાજા રણછોડરાયજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ડાકોરના નાથને શિશ નમાવી અનેક ભક્તોએ પોતાના નવવર્ષનો પ્રારંભ કરીને ધન્યતા અનુભવી હતી. હજારો ભક્તોના આગમનના લીધે ડાકોર ધામમાં પણ ભારે ભીડ સર્જાઈ હતી.
પાવગઢ, ઊંઝા, ચોટીલામાં ભારે ભીડ
કંઈક આવો જ નજારો ગુજરાતના અન્ય ધર્મસ્થાનોમાં પણ જોવા મળ્યો હતો. ખાસ કરીને માઈભક્તોએ શક્તિપીઠો અને માતાજીના ધામમાં ભારે ભીડ જમાવી હતી. પાવાગઢ, ઊંઝા અને ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી મંદિરમાં પણ આજે વહેલી સવારથી ભક્તો માના ચરણે પોતાનું શિશ નમાવવા માટે થનગની રહ્યા હતા. મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસે માં ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે. જેમાં સવારથી માં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાઈનો લાગી છે. દૂર દૂરથી માં ઉમિયાના ભક્તો ઉમિયા ધામ ઊંઝા પહોચ્યા છે. માં ઉમિયા કડવા પાટીદારોની કુળદેવી છે. કડવા પાટીદારો નવા વર્ષના પહેલા દિવસે માં ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરે છે.
ચોટીલામાં 100થી વધુ સીસીટાવી કેમેરા દ્વારા ચાંપતી નજર
સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા મંદિરે ભક્તો નવા વર્ષમાં માતાજીના આશીર્વાદ માટે ઉમટી આવ્યા છે. આજથી શરૂ થતા નવા વર્ષને લઈને ચામુંડા માતાજીના દરબારમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં પોલીસ દ્વારા 2 પીઆઇ, 6 પીએસઆઇ સહિત 260 જેટલા પોલીસકર્મીઓ દ્વારા યાત્રિકોની સુવિધા માટે બન્દોબસ્ત ગોઠવામાં આવ્યો છે. ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા તળેટીથી લઈને મંદિર સુધી 100થી વધુ સીસીટાવી કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગૂંજવી દીધું
પંચમહાલમાં નૂતન વર્ષના દિવસે પાવાગઢ સ્થિત જગત જનની મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો આવી પહોંચ્યા છે. નૂતન વર્ષના દિવસે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના નિજ મંદિરના કપાટ ખુલતા જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજવી દીધું હતુ.


