લોકો એકત્રિત થઈ જતાં ત્રણેય કાર લઈ નાસી છૂટ્યા, યુવા એડવોકેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત રાજકોટ
રાજકોટના ગોપાલનગર વિસ્તારમાં રહેતા એડવોકેટ યુવાનને મક્કમ ચોક પાસે સામું જોવા બાબતે ઇનોવા કારમાં સવાર ત્રણ શખસોએ ધોકાથી જાહેરમાં માર મારતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ જતા ચાલકે કાર ભગાવી મૂકી હતી. ભાગવા જતા આ કારચાલકે એક વાહનને પણ હડફેટે લીધું હતું. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટી પાછળ ગોપાલ નગર શેરી નંબર 12 માં રહેતા ઇન્દ્રજીતસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.વ 27) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે એમ.કોમ એલએલબીનો અભ્યાસ કર્યો છે. અને હાલ વકીલાતની પ્રેક્ટિસ કરે છે.
ગઈકાલે સવારના 11:00 વાગ્યા આસપાસ તે ઘરેથી કોર્ટ જવા માટે સ્કૂટર લઇ નીકળ્યો હતો. દરમિયાન મક્કમ ચોકથી આગળ સત્ય વિજય આઈસ્ક્રીમ નજીક સ્થિત ધર્મશાળા પાસે પહોંચતા એક સફેદ કલરની ઇનોવા કાર કે જે તેની આગળ ઉભી હતી તેમાંથી એક અજાણ્યો શખ્સ નીચે ઉતર્યો હતો અને યુવાન પાસે આવી કહેવા લાગ્યો હતો કે, તું મારી સામે કેમ જુએ છે જેથી યુવાને કહ્યું હતું કે, સામું જોવામાં તને કંઈ વાંધો છે? તેમ કહેતા આ શખ્સ અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તે ઇનોવા કારમાંથી બેઝ બોલનો ધોકો લઈ આવી યુવાનને માથાના ભાગે ધોકાના ઘા ફટકારી દીધા હતા.
થોડીવારમાં જ કારમાંથી અન્ય બે અજાણ્યા શખ્સએ આવી યુવાનને ગાળો ભાંડી હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા આ ત્રણેય કાર લઇ ભાગવા જતા આગળ એક વાહન ઊભું હતું તેને પણ ઠોકરે લીધું હતું અને બાદમાં ત્રણેય અજાણ્યા શખ્સ ઇનોવા કાર લઇ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ યુવાનને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં યુવાનને માથાના ભાગે 10 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા અને મૂઢ ઇજાઓ પહોંચી હતી જેની સારવાર ચાલુ કરવામાં આવી છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ઇનોવા કારમાં સવાર ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા કવાયત આદરી છે.