- ઝડપાયેલા 3 આરોપીઓમાંથી મુખ્ય આરોપી સામે અગાઉ 15 ગુના નોંધાયા છે
- વઢવાણના મૂળચંદમાં રહેતો યુવાન ગત તા. 26મીએ બાઈક લઈને મોરબી જતા આરામ કરવા રોકાયો હતો
- પોલીસે ધ્રાંગધ્રાના 3 શખ્સોને બાઈક અને રોકડ સાથે ઝડપી લીધા
વઢવાણના મુળચંદમાં રહેતો યુવાન બાઈક લઈને તા.26ના રોજ મોરબી જતો હતો.ત્યારે ધ્રાંગધ્રા પહોંચતા બાઈક ચલાવી થાકી જતા તળાવ પાસેના બગીચામાં આરામ કરવા બેઠો હતો.આ સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ આવી છરી બતાવી રોકડા રૂપીયા 1600 અને બાઈકની લૂંટ કરી હતી.આ બનાવમાં પોલીસે ધ્રાંગધ્રાના 3 શખ્સોને બાઈક અને રોકડ સાથે ઝડપી લીધા છે.
વઢવાણના મુળચંદમાં રહેતો 25 વર્ષીય મયુરભાઈ મેરૂભાઈ ઓળકીયા મોરબી જિલ્લાના માટેલમાં આવેલ ટોરીસ કંપનીમાં નોકરી કરે છે.તા.26જાન્યુઆરીના રોજ વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામે રહેતા તેના મિત્રના લગ્ન હોઈ તે બાઈક લઈને ખોલડીયાદ ગયા હતા.જયાંથી વતન મુળચંદ થોડી વાર રોકાઈને તેઓ બાઈક લઈને માટેલ જવા નીકળ્યા હતા.જેમાં ચારેક વાગ્યે ધ્રાંગધ્રા પહોંચતા થાકી જતા ધ્રાંગધ્રા તળાવ પાસે આવેલ બગીચામાં આરામ કરવા બાકડામાં બેઠા હતા. અને મોબાઈલ ફોન જોતા હતા. ત્યારે પાછળથી ત્રણ વ્યકતી આવ્યા હતા. જેમાં તેઓને પકડી પેટ પર છરી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને મયુરભાઈના ખીસ્સામાં રહેલા રોકડા રૂપીયા 1600 તથા રૂપીયા રપ હજારના બાઈકની લૂંટ કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા જ પીઆઈ જે.એસ.ઝાંબરે સહિતની ટીમે લુંટારાઓની તપાસ આદરી હતી. જેમાં ત્રણ શખ્સો કેમીકલ કારખાનાના રસ્તે નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસે જુબસ ઉર્ફે જુણસો અબ્બાસભાઈ ભટ્ટી, રસુલ ઉર્ફે ડાડો રહેમાનભાઈ મોવર અને સીકંદર દાઉદભાઈ મોવરને લુંટનું બાઈક અને રોકડ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલ મુખ્ય આરોપી જુસબ સામે ધ્રાંગધ્રા સીટી, માળીયા મીયાણા, હળવદ સહિતના પોલીસ મથકે ચોરી, લુંટ, મારામારી, જેલ અધીનીયમ ભંગ સહિતની કલમો સાથેના 15 ગુના નોંધાયા છે. જયારે રસુલ સામે એટ્રોસીટીની કલમો સાથે ધમકી આપવાનો ગુનો નોંધાયો છે.


