આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરમાં નકલી ઘીના પ્રસાદનો મામલો ચગ્યો હતો. ત્યારે હવે મંદિર પ્રશાસનને સપ્લાય કરેલા સિલ્ક દુપટ્ટામાં છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં એક મોટો સ્કેમ થયો છે. સતર્કતા વિભાગની તપાસમાં ખુલાસો થયો કે સિલ્કના નામ પર પોલિસ્ટરના દુપટ્ટા સપ્લાય કરાયા. જેની કિંમત કરોડોમાં વસૂલવામાં આવી. આ સ્કેમની કિંમત લગભગ 54 કરોડ રૂપિયાથી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રેશમી દુપટ્ટા નીકળ્યા પોલિસ્ટરના
સૂત્રોના જણાવ્યા અનુસાર એક કોન્ટ્રાક્ટરે પ્રતિ નંગ ₹1,389 ના દરે આશરે 15,000 દુપટ્ટા પૂરા પાડ્યા હતા અને દાવો કર્યો હતો કે તે “રેશમના દુપટ્ટા” છે. જોકે, જ્યારે નમૂનાઓ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ સહિત બે પ્રયોગશાળાઓમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, ત્યારે રિપોર્ટમાં સ્પષ્ટપણે બહાર આવ્યું હતું કે દુપટ્ટા અસલી રેશમના નહીં, પરંતુ સંપૂર્ણપણે પોલિએસ્ટરના બનેલા હતા.
તપાસ ACB ને સોંપવામાં આવી
આ બાબતનો જવાબ આપતા, TTD ના અધ્યક્ષ બી.આર. નાયડુએ કહ્યું, “અમને ખરીદી વિભાગમાં કેટલીક અનિયમિતતાઓ મળી છે. અમે આની ગંભીર નોંધ લીધી છે અને તપાસ ACB ને સોંપી છે.”
નકલી ઘી અને ભેળસેળનો કેસ (2024)
સપ્ટેમ્બર 2024માં જ્યારે આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે તિરુપતિના પવિત્ર લાડુમાં વપરાતું ઘી શુદ્ધ ગાયનું ઘી નહીં પણ ભેળસેળયુક્ત હોઇ શકે છે. જે બાદ CBI ની દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી અને સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરવામાં આવી.
પરકામણી કેસ (2023):
29 એપ્રિલ, 2023 ના રોજ, પરકામણી વિભાગના કારકુન સી.વી. રવિ કુમારની ધરપકડ કરવામાં આવી. તેમના પર શ્રીવારી હુંડીમાં ભક્તો દ્વારા જમા કરાયેલા દાનની ઉચાપત કરવાનો આરોપ હતો.
TTD માટે વધતા પડકારો
આ વિવાદો પછી ₹54 કરોડના રેશમના દુપટ્ટા કૌભાંડ ફરીથી મંદિર વહીવટની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. તપાસ એજન્સીઓ હવે તપાસ કરી રહી છે કે આ છેતરપિંડી 10 વર્ષ સુધી કેવી રીતે ચાલુ રહી. કોણ સામેલ હતું અને કયા અધિકારીઓએ ભૂમિકા ભજવી હોવાની શંકા છે. હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ ખુલાસા થવાની અપેક્ષા છે.


