- ઉમરેઠ નગરપાલિકા કૌભાંડ મામલો
- 2022માં કામ અધૂરૂં હોવાનો દાવો
- જાગૃત નાગરિકોએ કરી ફરિયાદ
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરની નગરપાલિકામાં શૌચાલય કૌભાંડનો મુદ્દો આજે ફરી ગાજ્યો હતો. 2022માં અધૂરા કામ છતાં 30 લાખ રૂપિયાના બિલ બનાવી પાસ કરી નાખવાના મુદ્દે તત્કાલીન ચીફ ઓફિસર સહિત 16 કાઉન્સિલરોને નોટિસ ફટકારવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ઉમરેઠ શહેરના જાગૃત નાગરિકોએ પ્રાદેશિક કમિશનરમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને આ શૌચાલય કૌભાંડની તપાસ કરવાની માગણી કરી હતી. આ મામલે ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 2022માં શૌચાલય નિર્માણની કામગીરી અધૂરી રહી હતી તેમ છતાં આ કામના 30 લાખ રૂપિયાના બિલ બનાવીને તેને પાસ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે પ્રાદેશિક કમિશનરેટમાં ધા નાખીને તપાસ અને ન્યાયની માગણી કરવામાં આવી હતી.
આ મામલે પ્રાદેશિક કમિશનરે નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ઉપરાંત 16 કાઉન્સિલર , ચીફ એકાઉન્ટન્ટ અને એન્જિનિયરને આગામી 7 તારીખ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. આ મામલે નગરપાલિકા દ્વારા તમામ સભ્યોને લેખિતમાં આગામી 7 તારીખે પ્રાદેશિક કમિશનરેટ કચેરી ખાતે હાજર રહેવાની નોટિસ બજાવી હતી.
મહત્વનું છે કે ઘણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લાખો-કરોડોની રકમ ક્યાંક પગ સેરવી જતી હોય છે અને વિકાસકામોનો હવાલો માત્ર કાગળ પર પૂરો કરી દેખાડી તેના બિલ પસાર કરી દેવાય છે. જો કે આનો ભોગ નિર્દોષ નાગરિકોએ બનવું પડે છે અને તેમને અગવડો પડે છે. આ મામલે જાગૃત નાગરિકોના હોવાથી અમુક મામલાઓ તપાસના એરણે ચડે છે અને બાકી મામલાઓ ભૂલાઈ જાય છે.