અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત સંવેદનશીલ અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં સાબરકાંઠાના એક પરિવારે સારવાર માટે લાવેલી તેમની નવજાત બાળકીને હોસ્પિટલમાં જ ત્યજી દીધી હતી. જોકે દુઃખદ બાબત એ છે કે બાળકીનું ટૂંક સમયમાં જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ત્યજી દેનાર પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખેડબ્રહ્માના પરિવાર સામે ફરિયાદ
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળકીને શ્વાસની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીનો પરિવાર ખેડબ્રહ્માના સેલુડી ગામનો રહેવાસી હતો, પરંતુ તેઓ બાળકને મૂકીને જતો રહ્યો હતો. દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન નવજાત બાળકીનું મોત થઈ ગયું છે. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બાળકીને ત્યજી દેનાર પરિવાર સામે ફરિયાદ નોંધાઈ છે.
ખોટા સરનામાના કારણે મુશ્કેલી
સુપ્રિટેન્ડેન્ટે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવા કિસ્સાઓ ઘણી વખત બને છે, જેમાં ગરીબી કે અન્ય કારણોસર પરિવારજનો બાળકને છોડીને જતા રહે છે.ઘણી વખત બાળક છોડવા આવનાર સાચા એડ્રેસ કે મોબાઈલ નંબર પણ આપતા નથી. આવું જ એક અન્ય બાળક અહીં છે, જેનો પરિવાર રાજસ્થાનનો હતો. આપેલા એડ્રેસ અને મોબાઈલ નંબરથી સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ હજી સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. હવે પોલીસ આ મામલે સેલુડી ગામના પરિવારની શોધખોળ શરૂ કરશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.


