- વળતર ચુકવણીના કોર્ટના ચુકાદાને ટ્રમ્પ કોર્ટમાં પડકારશે
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનું સંકટ વધી રહ્યું છે
- લેખિકા કેરોલે જાતીય શોષણ કરીને ટ્રમ્પે તેમની બદનામી કરી હોવાના આક્ષેપો કર્યા હતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનું સંકટ વધી રહ્યું છે. લેખિકા ઇ.જીન કેરોલ સાથે દુષ્કર્મ અને કરેલી માનહાનિના કેસમાં કોર્ટે હવે ટ્રમ્પને 8.3 કરોડ ડોલરનો દંડ ચૂકવવા ફરમાન કર્યું છે. ટ્રમ્પ ગુરુવારે ન્યૂયોર્ક ખાતેની ફેડરલ કોર્ટ સમક્ષ પેશ થયા હતા. પરંતુ કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવતી વખતે જ નારાજ થઈ ગયા અને કોર્ટરૂમની બહાર જતા રહ્યા. તેમણે આરોપ લગાવ્યા કે લેખિકાએ તેમના પર કરેલા જાતીય શોષણના આરોપોનું ખંડન કરવા તેમને માત્ર 1 મિનિટની જ તક આપવામાં આવી. જોકે શુક્રવારે પણ આ કેસમાં કોર્ટ ટ્રમ્પને સાંભળવાની અંતિમ તક આપવા માંગતી હતી.
ટ્રમ્પે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે તેમણે કેરોલ વિશે કદી સાંભળ્યું પણ નથી. કેરોલે એક કથા ઉપજાવી કાઢી છે. ટ્રમ્પના વકીલોએ પણ કહ્યું કે કેરોલ પ્રસિદ્ધિની ભૂખી હતી. શત્રુતા હોવાથી ટ્રમ્પ વિરુદ્ધ બોલ્યા કરતી હતી.એક જ્યૂરીએ ગયા વર્ષે મે મહિનામાં આ કેસમાં ટ્રમ્પને દોષિત માનીને 50 લાખ ડોલરનું વળતર ચૂકવવા આદેશ કર્યા હતા. કોર્ટે માન્યું હતું કે ટ્રમ્પે કેરોલને બદનામ કર્યા હતા અને તેમનું જાતીય શોષણ પણ કર્યું હતું. આ કેસમાં કેરોલે ઓછોમાં ઓછા 1 કરોડ ડોલરના વળતરની માગણી કરી હતી. કેરોલે આક્ષેપ કર્યા હતા કે ટ્રમ્પે એક સન્માનજનક પત્રકારના રૂપમાં રહેલી તેમની પ્રતિષ્ઠાને બરબાદ કરી દીધી હતી.
કોર્ટના ચુકાદા પછી આપેલા નિવેદનમાં કોર્ટના નિર્ણયને હાસ્યાસ્પદ કહેતા જણાવ્યું હતું કે તેઓ કોર્ટ ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે.


