અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલન્ડ ટ્રમ્પના ફરી આકરા તેવર જોવા મળ્યા. ભારત પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ વધુ આકાર નિર્ણય લઈ રહ્યા છે. ફરી એકવાર ટ્રમ્પ ભારત પર ટેરિફનો બોમ્બ ફોડશે તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભારતના ચોખા પર અમેરિકા દ્વારા નવા ટેરિફ લાદવામાં આવી શકે છે. તાજેતરમાં વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલ એક બેઠકમાં ટ્રમ્પે આ સંકેત આપ્યો. જણાવી દઈએ કે હાલમાં, અમેરિકાએ ભારતીય ચોખા પર 25 ટકા ટેરિફ અને 25 ટકા દંડ લાદ્યો છે. જો નવા ટેરિફ લાદવામાં આવે તો આ મર્યાદા 50 ટકાથી વધી શકે છે.
ટ્રમ્પના ભારત પ્રત્યે આકરા તેવર
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલ એક બેઠકમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. જ્યાં ખેડૂતોએ સસ્તા વિદેશી ઉત્પાદનોની અમેરિકન બજાર પર અસર અંગે ફરિયાદ કરી હતી. આ બેઠક અમેરિકન ખેડૂતો માટે 12 બિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત થઈ હતી. તેમજ આ બેઠકમાં અમેરિકન ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેટલાક દેશો અમેરિકન બજારમાં ઓછા ભાવે ચોખા વેચી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારબાદ ટ્રમ્પે યુએસ વાણિજ્ય સચિવને સંબોધન કરીને કહ્યું કે ભારત આ કરી શકતું નથી અને તેમણે ટેરિફ ચૂકવવા પડશે.
અમેરિકન ખેડૂતોની ફરિયાદ પર ટ્રમ્પ ખફા
અમેરિકન ખેડૂતો માટે 12 બિલિયન ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરવા માટે વ્હાઇટ હાઉસ ખાતે ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રમ્પે ભારતીય ચોખા પર ટેરિફ લાદવાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેઓ કેનેડાથી આયાત થતા ભારતીય ચોખા અને ખાતર પર નવા ટેરિફ લાદી શકે છે. કારણ કે ભારત સહિત કેટલાક દેશો અમેરિકામાં ચોખા “ડમ્પ” કરી રહ્યા છે, તેને ખૂબ જ ઓછી કિંમતે વેચી રહ્યા છે, જેનાથી અમેરિકન ચોખા ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે.
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની બેઠક
વ્હાઇટ હાઉસ ખાતે ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પ, નાણામંત્રી અને એક ઉદ્યોગપતિ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે.લુઇસિયાનામાં કેનેડી રાઇસ મિલ્સના સીઈઓ મેરિલ કેનેડીએ દાવો કર્યો હતો કે આ કથિત ડમ્પિંગ માટે ભારત, થાઇલેન્ડ અને ચીન મુખ્ય જવાબદાર દેશો છે. તેમણે કહ્યું કે ચીન ખાસ કરીને પ્યુઅર્ટો રિકોમાં મોટા પ્રમાણમાં ચોખા મોકલી રહ્યું છે, જ્યાં અમેરિકન ચોખાનો પુરવઠો હવે લગભગ બંધ થઈ ગયો છે. કેનેડીએ કહ્યું, “અમે વર્ષોથી ત્યાં ચોખા મોકલ્યા નથી. દક્ષિણ રાજ્યોના ખેડૂતો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.”


