અધિકારીઓએ બંન્ને પેઢીના હિસાબ કિતાબ, કોમ્પ્યુટર ડેટા જેવા દસ્તાવેજોની જીણવટભરી તપાસ હાથ ધરી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગઇકાલે વેરાવળના સોની વેપારીઓને ત્યાં અચાનક CGST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપારી વર્તુળમાં ચકચાર પ્રસરી ગઈ હતી. શહેરની જાણીતી અને નામાંકિત સોની વેપારી પેઢીઓ પર એકસાથે દરોડા પાડવામાં આવતા સમગ્ર બજારમાં અજંપાભર્યા વાતાવરણ સાથે ફફડાટનો માહોલ જોવા મળતો હતો.
પ્રાપ્ત વિગતોનુસાર ગઇકાલ સવારથી વેરાવળના સટ્ટા બજારમાં આવેલ પરશુરામ દયારામ જવેલર્સના શોરૂમ પર CGST વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સાથે જ શહેરની જાણીતી અન્ય પેઢી શાહ નગીનદાસ ભગવાનદાસના બે અલગ અલગ સ્થળોએ પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી CGST જુનાગઢ ડિવિઝનની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. આ સર્ચમાં જીએસટીના અધિકારીઓએ બંન્ને વેપારી પેઢીઓના હિસાબી દસ્તાવેજો, બિલ-બુક, કમ્પ્યુટર ડેટા તેમજ GST સંબંધિત રેકોર્ડની વિગતવાર ચકાસણી હાથ ધરેલ જે મોડી સાંજ સુધી ચાલુ હતી.
GST ના દરોડાના સમાચાર પ્રસરતા જ વેરાવળની સોની બજારમાં ભારે હલચલ જોવા મળી હતી. જેમાં ઘણા વેપારીઓ પોતાના શોરૂમ બંધ કરી દેતા બજાર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળતી હતી. આ સર્ચની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ હોય જે પૂર્ણ થયા બાદ CGST આધિકારીક માહિતી જાહેર કરનાર હોવાનું જાણવા મળેલ છે.
ચોક્કસ વેપાર તરફ ધ્યાન કેન્દ્રિત થશે તો મોટી કરચોરી પકડાવવાની ચર્ચા
અત્રે નોંધનીય છે કે સીજીએસટીના પડેલા દરોડા બાદ અનેકવિધ ચર્ચાઓ વેપારી વર્તુળોમાં શરૂ થઈ છે. જે મુજબ જો સીજીએસટીની ટીમ શહેરના બિલ્ડરો, બિલ્ડીંગ મટીરીયલના વેપારીઓ અને સરકારી કન્સ્ટ્રક્શનના કામો કરતા કોન્ટ્રાક્ટરોની પેઢીઓને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરશે તો મોટા પાયે કરચોરીનું એક સુવ્યવસ્થિત ચાલતા નેટવર્કનો પર્દાફાશ થવાની શકયતા રહેલી છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ જીએસટીની ટીમોએ ટોબેકોનું વેચાણ કરતી અને અમુક હોટલ પાર્ટી પ્લોટોની પેઢીઓમાં ચેકિંગ કર્યું હતુ. તેવી રીતે સોમનાથ બાયપાસ તરફ તપાસનો દોર કેન્દ્રિત કરવામાં આવે તો મોટી સ્ફોટક વિગતો સામે આવવાની ચર્ચા થઈ રહી છે. કારણ કે, છેલ્લા બે વર્ષમાં સોમનાથ બાયપાસ વિસ્તારમાં જમીન મકાનમાં અભૂતપૂર્વ કૃત્રિમ તેજી સર્જાયેલી જોવા મળી છે જે તેજીની આડમાં મોટાપાયે કરોડોના આર્થિક વ્યવહારો થયા હોય અને તેમાં પણ મોટા પાયે કરચોરી થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ દિશામાં જીએસટી વિભાગ તપાસ કરશે તો મોટી કચોરી પકડાવાની શકયતા હોવાની જાણકારો વર્તુળમાં ચર્ચા થઈ રહી છે.


