- પચાસ વર્ષથી નીચેની વયની વ્યક્તિને સારવાર આપવાનો સમય બાકી રહેતો નથી
- રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો
- 2 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમીયાન કુલ 30 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આજે રાજકોટમાં બે, ઉત્તર ગુજરાતમાં ત્રણ અને સુરેન્દ્રનગરમાં એક મળી કુલ 6 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે.
રાજકોટમાં મૂળ નેપાળનો અને હાલ આજી ડેમ ચોકડી નજીક મીરા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાની ઓરડીમાં રહેતો શ્રામિક ગુરુપ્રસાદ શિવકુમાર ગોડીયા (ઉ.વ.20) ગત સાંજે કારખાનામાં હાર્ટ એટેકથી મોત થયું હતું. બીજા બનાવમાં રૂખડીયાપરામાં રેલવે ફટક પાસે રહેતો સુરેશ મગનભાઇ લોરિયા (ઉ.વ.35)ને છાતીમાં દુઃખાવો ઊપડતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ મોત નીપજ્યું હતું. રાજકોટ શહેરમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ગત 2 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમીયાન શહેરમાં કુલ 30 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા છે. જેમાં 20 વયના યુવાનથી લઈ પ્રૌઢ, વૃધ્ધનો સમાવેશ થાય છે.
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક દિવસ અગાઉ જ એક નાયી નટવરભાઇ ડાહ્યાભાઇનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેની રાખ હજુ ઠરી નથી ત્યાં તો એમના જ કુટુંબ પરિવારના આધેડ નાયી ઈશ્વરભાઈ મેવાભાઈ (ઉ.વ.55)નું સવારે વહેલા હાર્ટ એટેકથી મોત થયું હતું. જયારે કંબોઈના નાયી રમેશભાઈ નાગરભાઈ (ઉ.વ.50) જેઓ અમદાવાદમાં નહેરુનગરમાં હેર કટિંગ સલૂનની દુકાન પર કામ કરતા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના મફતીયાપરામાં 30 વર્ષીય સુરેશભાઈ કાનજીભાઈ ઘુઘલીયા રહે છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.31ના રોજ કપાસની ગાડી ભરવાની મજૂરીએ ગયા હતા. જયાંથી ઘરે પરત આવીને જમવા બેઠા હતા. જમીને ઉભા થયા બાદ તરત ઉલ્ટી થઈ અને જમીન પર ઢળી પડયા હતા. તેમને લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે સૌ પ્રથમ સીપીઆર આપ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને સુરેશભાઈનું મોત થયું હતું.