- બાઈક પર ત્રણ સવારી ગોત્રી બાગાયતનું કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત
- ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોનાં સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયાં
- મીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં
આંકલાવ તાલુકાના હઠીપુરા પાસે ગુરૂવારના સવારના સુમારે પુરપાટ ઝડપે જતું બાઈક ઉભેલી ટ્રકની પાછળ ઘુસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોનાં સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયાં છે. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આંકલાવ શહેરના સ્ટેશન વિસ્તારમાં રહેતાં મીનાબેન વિનોદભાઈ રાઠોડ (ઉં.વ.35) પોતાના પુત્ર અમીતભાઈ (ઉં.વ. 18) તેમજ પડોશમાં રહેતા ભાવેશભાઈ કાંતિભાઈ ગોહિલ (ઉં.વ.19) સાથે બાઈક નંબર જીજે-23,ડીઆર-3374નું લઈને ગોત્રી બાગાયતનું કામકાજ કરવા માટે જવા નીકળ્યાં હતાં. ગુરૂવારના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે હઠીપુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર ઉભેલો બગડી ગયેલા ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘુસી ગયું હતું. જેને લઈને ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ તેમજ વાહનચાલકો આવી પહોંચ્યા હતા અને તુરંત જ 108 મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં અમિત અને ભાવેશને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનાં સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે મીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તુરંત જ 108 મોબાઈલ વાન મારફતે સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.ઘટનાની જાણ આંકલાવ પોલીસને થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.