- ફ્રાન્સનો ફૂટબોલ સ્ટાર મબાપે પીએસજી સાથે અંતિમ સત્રમાં રમી રહ્યો છે
- પીએસજીએ મંગળવારે 4-1થી બાર્સિલોના સામે જીત મેળવી
- મબાપેએ તે બાદ મેચની 61મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ ફટકાર્યો હતો
કિલિયન મબાપેએ ફટકારેલા બે ગોલની મદદથી પીએસજીએ મંગળવારે 4-1થી બાર્સિલોના સામે જીત મેળવી હતી અને પોતાના ઘરેલુ મેદાન પર પહેલા તબક્કામાં મળેલા પરાજય છતા 6-4ના કુલ સ્કોર સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફ્રાન્સના સ્ટાર ખેલાડી મબાપેની ક્લબ સાથે અંતિમ સત્રમાં ટીમને પહેલા યુરોપિયન ખિતાબ જીતવાની આશા યથાવત્ રહેવા પામી છે. બાર્સિલોનાના ડિફેન્ડર રોનાલ્ડ અરાઉજોએ મેચની 29મી મિનિટમાં બ્રેડલી બાર્કોલા ત્રુદ્ધ ફાઉલ કરવા બદલ રેડ કાર્ડ દેખાડવામાં આવ્યુ હતું જે બાદ ટીમે બાકીની મેચ 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. બાર્સિલોનાને 12મી મિનિટમં રાફિન્હાએ લીડ અપાવી હતી જે બાદ 40મી મિનિટમાં ઓસમાને ડેમ્બેલેએ સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. વિટિન્હાએ 54મી મિનિટમાં ગોલ કરીને પીએસજીને 2-1થી આગળ કરી દીધુ હતું. ડેમ્બેલે અને વિટિન્હા બંને બાર્સિલોના વતી રમી ચૂક્યા છે.
મબાપેએ તે બાદ મેચની 61મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ ફટકાર્યો હતો અને ત્યારબાદ મેચની 89મી મિનિટમાં વધુ એક ગોલ ફટકારીને ટીમની 4-1થી જીત સુનિક્ષિત કરી હતી અને પીએસજીને સેમિફાઇનલમાં પહોંચાડી હતી.


