- સિક્યોરિટીનું અભૂતપૂર્વ આયોજન
- હજારો પોલીસ જવાનો રહેશે તૈનાત
- ટેક્નોલોજીના ઉપયોગ થકી અદ્યતન સુરક્ષા
અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનનો મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને પોલીસ તંત્ર અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7000 પોલીસ કર્મચારીઓ અને 4 હજારથી વધુ હોમગાર્ડ જવાનોનું અભેદ્ય સુરક્ષાકવચ ગોઠવવામાં આવશે.
નોંધનીય છે કે અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને ઘણો જ રોમાંચક માહોલ છે. લાખોની સંખ્યામાં દર્શકો અને મોટા સેલેબ્રિટીઓ મેચમાં હાજર રહેનાર છે, ત્યારે સુરક્ષામાં કોઈ કમી ન રહી જાય તે માટે સુરક્ષા એજન્સીઓએ પણ કમર કસી છે. આ મેચમાં 7000 પોલીસ જવાન અને 4000થી વધુ હોમગાર્ડ જવાનોનું સુરક્ષાકવચ રહેશે. સાથે જ ટીથર ડ્રોન ને એન્ટિગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
હાઈવોલ્ટેજ મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મહામુકાબલાને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.તથા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે પોલીસ દ્વારા સુરક્ષાનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામા આવ્યું હતું, જેમાં ડોગ સ્કવોડ, એસઓજી, ક્રાઈમબ્રાન્ચ સહિતની ટીમો સામેલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ આયોજનમાં એનએસજી કમાન્ડો પણ હાજર હતા તો સાથે જ આ મેદાનમાં સુરક્ષાને લઈને ચેતક કમાન્ડોને પણ ગોઠવવામાં આવશે.
ટીથર ડ્રોન અને એન્ટિ ગન ડ્રોનનો ઉપયોગ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેનાથી 3 કિમીના વિસ્તારનું મોનિટરિંગ કરી શકાશે. ઉપરાંત આ ડ્રોનથી સતત 10 કલાક સુધી મોનિટરિંગ કરવું સંભવ છે. આ ઉપરાંત મેદાનના વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત ડ્રોનને ઓળખી તેને તોડી પાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં એન્ટિગન ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવશે. જે અવૈધ ડ્રોનને ઓળખી તેને દૂર કરી શકે છે.
સુરક્ષા દળોનું અભૂતપૂર્વ કવચ
આ મેચમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 7 હજાર પોલીસ જવાનોની સાથે 4 હજારથી વધુ હોમગાર્ડ જવાનો મોરચો સંભાળશે. આ ઉપરાંત 4 IG-DIG, 21 DCP, 47 ACP, 131 PI અને 369 PSI સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે.
CCTVથી બાજનજર
સુરક્ષાને લઈને વધુ ચોક્સાઈપૂર્વકના આયોજન માટે મેદાનમાં સીસીટીવી કેમેરાનું મોટું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. જેમાં 2 હજાર જેટલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરાશે તો સાથે જ 1000 જેટલા બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો પણ હાજર રહેશે. BDDS સ્નિફર ડોગ દ્વારા દર્શકોનું ચેકિંગ કરાશે. ઉપરાંત સાદા વેશે પોલીસ કર્મીઓ અને શી ટીમ ભીડની વચ્ચે હાજર રહી સતત સેફ્ટી અપડેટ આપશે.