- અમેરિકી સિક્રેટ સર્વિસના અધિકારીઓ અને ફાયર બ્રિગેડે આગ ઓલવી
- વાયુસેનાના જવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો
- નરસંહારમાં સામેલ નહીં થાય તેવી જવાનની માંગણી હતી
અમેરિકાના વોશિંગ્ટનમાં ઈઝરાયલી દૂતાવાસની બહાર એરફોર્સના એક સૈનિકે પોતાની જાતને આગ લગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે બની હતી. ઈઝરાયેલ એમ્બેસી પાસે ઉભા રહીને આ વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. આ પછી, યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓ અને ડીસી ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી અને વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની સ્થિતિ ગંભીર બનેલી છે.
પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિનું નામ એરોન બુશનેલ હોવાનું કહેવાય છે. સ્થાનિક સૂત્રો અનુસાર, આ વ્યક્તિ યુએસ એરફોર્સનો સક્રિય સૈનિક છે. આ ઘટનાના એક વીડિયોમાં એરોન કહે છે કે તે આ હત્યાકાંડમાં સામેલ નહીં થાય.
વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે એરોન પહેલા ઈઝરાયેલ એમ્બેસીની સામે જમીન પર રેકોર્ડિંગ ડિવાઈસ મૂકે છે. આ પછી, તે ફ્રી પેલેસ્ટાઈનના નારા સાથે પોતાના પર પ્રવાહી છાંટીને પોતાની જાતને આગ લગાવી દે છે. ઘટના બાદ પોલીસ અધિકારીઓ તે તરફ આગળ વધીને આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.
અહેવાલો અનુસાર, એરમેને પોતે સમગ્ર ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ વીડિયો ટવિટર પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ ઘણી સાઈટસ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. અમેરિકન સિક્રેટ સર્વિસની સાથે એરફોર્સે પણ કહ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. હારુન હાલમાં સારવાર હેઠળ છે, જો કે, તે ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.


