અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન સોમવાર એટલે કે 15 ડિસેમ્બરથી H-1B અને H-4 વિઝા ધારકોની તપાસ અને વેરિફેકશન શરૂ કરશે. જેમાં સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ તપાસ સામેલ હશે. અમેરિકાના વિદેશ વિભાગે એક નવા આદેશમાં કહ્યુ છે કે 15 ડિસેમ્બરથી દરેક H-1B અને H-4 અરજદારો અને તેમના આશ્રિતોની ઓનલાઈન હાજરીની સમીક્ષા કરવામાં આવશે.
નવા નિયમોમાં શું કહેવામાં આવ્યુ છે?
ઓનલાઇન પ્રેઝન્સ રિવ્યૂના ભાગરૂપે, 15 ડિસેમ્બરથી તમામ એચ-1 બી અરજદારોને તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રાઇવસી સેટિંગ્સ પબ્લિક રાખવી પડશે. ઓનલાઇન પ્રેઝન્સ રિવ્યૂની આ આવશ્યકતા પહેલેથી જ અમેરિકા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ માટે લાગુ હતી. હવે અમેરિકાના વિદેશ વિભાગે તેને તમામ એચ-1બી અરજદારો અને તેમના આશ્રિતો સુધી વિસ્તારવામાં આવી છે.
તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પબ્લિક રાખવી પડશે
અમેરિકન સરકારે એચ-1બી અરજદારો અને તેમના એચ-4 વિઝા ધારકો માટે સ્ક્રીનીંગ અને ચકાસણીના પગલાંનો વિસ્તાર કર્યો છે. અરજદારોને હવે તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ જાહેર એટલે કે પબ્લિક રાખવી પડશે, કારણ કે અધિકારીઓ 15 ડિસેમ્બરથી ઓનલાઇન પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે, જેથી એવા કેસોની ઓળખ કરી શકાય જે અસ્વીકાર્ય ગણાય અથવા સુરક્ષા જોખમ ઊભું કરી શકે. વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ પહેલેથી જ આવી જ તપાસના દાયરામાં હતા.
પહેલા F અને M માટે જ લાગુ હતી
વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, હવે એચ-1બી અને એચ-4 વિઝા અરજદારોની ઓનલાઇન હાજરીની સમીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. અગાઉ આ વ્યવસ્થા માત્ર એફ, એમ અને જે શ્રેણીના વિઝા એટલે કે વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ માટે લાગુ હતી. આ નિર્ણય બાદ ભારતમાં ઘણા એચ-1બી વિઝા ધારકોના ઇન્ટરવ્યૂ ફરીથી નક્કી કરવામાં આવ્યા છે. વિદેશ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન વિઝા કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે, અને દરેક વિઝા સંબંધિત નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોય છે.
વિભાગે જણાવ્યું છે કે ઉપલબ્ધ તમામ માહિતીનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે કોઈ પણ અરજદાર અમેરિકાની સુરક્ષા અથવા જાહેર હિત માટે જોખમ ન બને. આ પગલું ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિનો એક ભાગ છે. પ્રશાસન અગાઉથી જ એચ-1બી વિઝા કાર્યક્રમમાં કહેવાતા દુરુપયોગને અટકાવવા માટે અનેક પગલાં લઈ ચૂક્યું છે. ભારતીય વ્યાવસાયિકો, ખાસ કરીને આઈટી નિષ્ણાતો અને ડોક્ટરો, એચ-1બી વિઝા ધારકોનો મોટો હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચોઃ જોસ એન્ટોનિયો કાસ્ટ બન્યા ચિલીના નવા રાષ્ટ્રપતિ, 35 વર્ષ બાદ દેશને મળી વામપંથી સરકાર


