હાથ, પગ વગર પણ ખુશીથી સામાન્ય પ્રવૃત્તિ કરતા ધરા શાહના વિડિયો જોઈ અનેક લોકો મોતને હાથ તાળી દઈ પાછા ફર્યા છે
એક યુવાન જિંદગીથી હારીને જિંદગીનો અંત આણવા માટે અગાસી પર જાય છે અને જીવન ટૂંકાવતા પહેલા પરિવારજનોને સંદેશ આપતો એક વિડીયો બનાવવા માટે મોબાઈલ ખોલે છે.આ જ સમયે તેને અન્ય એક વીડિયોનું નોટિફિકેશન મળે છે. એક ક્ષણ તે વીડિયો જોવા માટે રોકાઈ જાય છે અને એ વિડિયો જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે અને જીવન નો અંત આણવાનો નિર્ણય પડતો મૂકે છે આ વીડિયો ધરાઝ વંડર લાઇફ યુ ટ્યુબ ચેનલના ધરા શાહનો હતો.જેના બંને પગનો ગોઠણથી નીચેનો ભાગ, કોણીથી નીચે જમણો હાથ અને ડાબા હાથની આંગળીઓ એક ઘટનામાં કાઢી નાખવામાં આવ્યા હતા.પોતાની ચેનલમાં ધરાબેન વિષમ પરિસ્થિતિમાં પણ સામાન્ય વ્યક્તિની જેમ દિનચર્યા કરે છે,ઘરની જવાબદારી નિભાવે છે,મેરેથોનમાં ભાગ લે છે,ડ્રાઈવિંગ કરે છે આ બધી પ્રવૃત્તિઓ દર્શાવે છે જે લોકોમાં હિંમત અને બહાદુરીના પ્રાણ પૂરે છે.એ યુવાનની જેમ અન્ય એક દિલ્હીની યુવતી પણ દાઝી ગયા પછી ડિપ્રેશન માં જતી રહી હતી, તે પણ ધરાબેનનો વિડિયો જોઈને જોમ અને જુસ્સા થી જીવવા લાગી હતી.આવા તો અનેક ઉદાહરણો છે જેમાં લોકોએ વિડિયો જોઈને હતાશા,નિરાશાને હાથતાળી આપી હોય.
ધરા શાહના વિડિયો જોઈને તેઓ પર અનેક ફોન કોલ્સ અને ઈ મેઈલ આવે છે જેમાં દરેકનો સકારાત્મકતા મેળવ્યાનો એક જ સૂર હોય છે.
ધરાબેન શાહની સંઘર્ષ અને સફળતાની યાત્રા આ પહેલા “અગ્ર ગુજરાત”માં કંડારવામાં આવી હતી.ધરાબેન શાહ મૂળ સાવરકુંડલાના છે.લગ્ન બાદ અમેરિકા ગયા. પતિ સિદ્ધાર્થ શાહ સાથે સુખી જીવન જીવતા હતા પરંતુ માં બનવાની ચાહ માં પ્રેગનેંસી વખતે ડોકટરની ભૂલના કારણે અનેક કોમ્પ્લીકેશન્સ ઊભા થયા પરિણામે શરીરના ખૂબ જરૂરી અંગો દૂર કરવા પડ્યા.આ બધા ઉપરાંત જે માતૃત્વ માટે તેઓને કઠિન પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો તે દીકરાને પણ જન્મતા જ બીમારી થતાં તેણે પણ લાંબી વાટ પકડી.દુઃખોનો પહાડ અને પીડાની પરાકાષ્ઠા વચ્ચે મજબૂત મનોબળ, પતિ અને પરિવારજનોની સહાયથી જાણે ફરીથી જીવન જીવવાનું શરુ કર્યું.એક સામાન્ય વ્યક્તિ કરતા પણ ખૂબ પ્રવૃત્ત જીવન જીવે છે અને અનેકના જીવનમાં આશાનો સંચાર કરે છે.
હાલ તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે ખાસ અગ્ર ગુજરાતની મુલાકાત લીધી હતી અને કામગીરીની પ્રશંસા કરી હતી.
તેઓએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે ,”કોઈ પણ સંજોગો આવે હિંમત ન હારો.જો હિંમત નહિ હારો તો તમને ઘણા રસ્તા દેખાશે.ભગવાન તમને દુઃખ આપે છે ત્યારે તેમાંથી નીકળવાના રસ્તા પણ દેખાડે છે.તમારી પાસે શું નથી એ વિચારવા કરતા ભગવાને મને શું આપ્યું છે તે વિચારો.સકારાત્મક વલણ અપનાવો.એક ડગ ભરશો તો બીજા ડગલાં ભરવા માટે અવશ્ય રસ્તો મળશે.” અગ્ર ગુજરાત તરફથી ધરાબેનને ખૂબ ખુબ શુભેચ્છાઓ.