ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે. તેલથી ભરેલા રશિયન ટેન્કરો પણ આગામી થોડા સપ્તાહમાં ભારત પહોંચશે. પરંતુ હાલ એવા ત્રણ ટેન્કરની ચર્ચા થઈ રહી છે જેના પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં ત્રણેય ટેન્કરો તેલ લઈને ભારત આવી રહ્યા છે.
એક અહેવાલ અનુસાર, આગામી થોડા સપ્તાહમાં ભારતીય રિફાઇનિંગ કંપનીઓને ક્રૂડ ઓઇલ પહોંચાડનારા ટેન્કરોમાં ઓછામાં ઓછા ત્રણ ટેન્કર છે જેના પર અમેરિકા દ્વારા તાજેતરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શુક્રવારે અમેરિકાએ 14 રશિયન ઓઇલ ટેન્કરને બ્લેકલિસ્ટ કર્યા હતા કારણ કે તેઓ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલી પ્રાઇસ સીમા કરતાં વધુ કિંમતે તેલની નિકાસ કરી રહ્યા હતા. પશ્ચિમી દેશોમાંથી રશિયન તેલની કિંમત બેરલ દીઠ 60 ડોલર છે.
કોઈ મોટી સમસ્યાની નથી આશંકા
શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, ભારત આવનારા ત્રણ ટેન્કરોમાંથી એક જ્યોર્જી મેસ્લોવ આ સપ્તાહના અંતે સિક્કા બંદર પહોંચશે. તો, અન્ય ટેન્કર એનાતોલી કોલોડકિન પણ એપ્રિલમાં સિક્કા બંદર પહોંચશે. આ મહિનાની શરૂઆતમાં એનાતોલી કોલોડકિન ટેન્કરે વાડીનાર પોર્ટ પર ક્રૂડ ઓઈલ પહોંચાડ્યું હતું. બ્લેક લિસ્ટમાં સામેલ અન્ય એક ટેન્કર એનએસ કેપ્ટન પણ માર્ચ અને એપ્રિલમાં તેલ સાથે વાડીનાર બંદરે પહોંચશે.
જો કે, ઇન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રો માને છે કે બ્લેકલિસ્ટેડ ટેન્કરોમાંથી ડિલિવરી થવાને કારણે કોઈ મોટી સમસ્યા થવાની કોઈ શક્યતા નથી. કારણ કે અમેરિકાએ બ્લેકલિસ્ટેડ ટેન્કરોને 45 દિવસ માટે તેલની નિકાસ કરવાની છૂટ આપી છે.
45 દિવસ બાદ બ્લેકલિસ્ટેડ ટેન્કરથી નહીં થાય કોઈ ડિલિવરી
અમેરિકા અને અન્ય G-7 દેશોએ સંયુક્ત રીતે ડિસેમ્બર 2022માં રશિયન તેલ પર પ્રાઇસ કેપ લાદવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર, રશિયા એક મહિનામાં ચાર ડઝન કાર્ગો ભારતને પહોંચાડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લેકલિસ્ટેડ ટેન્કરોના 45 દિવસ બાદ ભારતીય રિફાઈન કંપનીઓ આ ટેન્કરોની મદદથી તેલની આયાત નહીં કરે.


