- એરિયલ ટાર્ગેટની ઓળખ ભારતીય વાયુસેનાના એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા કરવામાં આવી હતી
- ઈરાનના સમર્થનથી આતંકવાદી હુમલો
- હોથીના હુમલાના કારણે સંવેદનશીલ ક્ષેત્ર
અમેરિકાએ લાલ સાગરમાં 12 હોથી હુમલાખોર ડ્રોન અને પાંચ મિસાઇલોને તોડી પાડયાં છે. અમેરિકાનો દાવો છે કે ડ્રોન ઈરાન સમર્થિત હોથી તરફથી લોન્ચ કરાયાં હતાં. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે લાલ સાગર ક્ષેત્રમાં જહાજોને કશું નુકસાન નથી થયું. હુમલામાં કોઈની ઈજા થયાના કોઈ સમાચાર નથી.
યુએસ સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, દક્ષિણ લાલ સાગરમાં અમેરિકાની કાર્યવાહીમાં એકતરફી હુમલાવાળા 12 ડ્રોન, ત્રણ એન્ટિશિપ બેલાસ્ટિક મિસાઇલો અને જમીન પરથી હુમલો કરી શકે તેવી બે ક્રૂઝ મિસાઇલોને તોડી પાડવામાં આવ્યાં છે. કાર્યવાહીમાં આઇઝનહોવર કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપના યુએસએસ લેબૂન (ડીડીજી 58) અને એફ/એ 18 સુપર હોર્નેટ સામેલ છે.
રિપોર્ટ અનુસાર દક્ષિણી લાલ સાગરમાં હોથી તરફથી 16 ડિસેમ્બરે યમનના સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ સાડા છ વાગ્યે હુમલા શરૂ થયા હતા. 10 કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યા હતા. ત્યાર બાદ અમેરિકા તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હોથી હુમલાખોર ડ્રોન પર અચૂક નિશાન સાધવામાં આવ્યાં હતાં.
ઈરાનના સમર્થનથી આતંકવાદી હુમલો
આઇડીએફએ હોથીના હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. સેના તરફથી ઇજિપ્તના સિનાઈ દ્વીપકલ્પ તટે હિલચાલનાં ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. ઇજિપ્તના દહાબથી બે કિમી દૂર ધડાકાના અવાજ સંભળાયા હતા.
હોથીના હુમલાના કારણે સંવેદનશીલ ક્ષેત્ર
યુએસએસ લેબૂન ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક યુદ્ધજહાજ છે. તેના સિવાય અમેરિકા એફ 18 યુદ્ધવિમાન જેટ આઇઝેનહોવરથી સંચાલિત કરે છે. એક અખબારી અહેવાલ અનુસાર, અમેરિકાના નેતૃત્વ હેઠળનું ગઠબંધન દક્ષિણી લાલ સાગરમાં શિપિંગ લેનની રક્ષા કરે છે. બાબ અલ-મંડેબ જલડમરુમધ્ય હોથીના હુમલાના કારણે અતિ સંવેદનશીલ ક્ષેત્ર છે.
ભારતીય વાયુસેનાના એર ટ્રાફિક કન્ટ્રોલની ભૂમિકા
અમેરિકાનું બયાન ઇઝરાયેલી સેના પછી આવ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવેલું કે ઇઝરાયેલના હવાઈદળે તેમની તરફ આગળ વધી રહેલા શત્રુતાપૂર્ણ એરિયલ ટાર્ગેટને તોડી પાડયું હતું. એરિયલ ટાર્ગેટની ઓળખ ભારતીય વાયુસેનાના એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા કરવામાં આવી હતી. ઈરાન સમર્થિત હોથીએ ગાઝા સાથે એકતા દર્શાવવા ફાયરિંગનો દાવો કર્યો હતો.


