યુનાઇટેડ સ્ટેટ્સમાં સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (DOS) તરફથી ઇમેઇલ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં તેઓને કેમ્પસ એક્ટિવિઝમમાં સામેલ થવાને કારણે દેશ છોડવાની સૂચના આપવામાં આવી છે. યુએસ ઇમિગ્રેશન એટર્નીએ આ અંગે પુષ્ટિ કરી હતી અને ઉમેર્યું હતું કે આ કાર્યવાહીમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પણ અસર થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, સોશિયલ મીડિયા પોસ્ટને શેર અથવા લાઇક કરવાથી પણ વિઝા રદ કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા સમીક્ષાનો એક ભાગ
યુએસ ઈમિગ્રેશન એટર્નીના જણાવ્યા અનુસાર, કેમ્પસ એક્ટિવિઝમમાં ઓફલાઇન રીતે ભાગ લેનારા વિદ્યાર્થીઓ જ નહીં પણ જેઓ ઓનલાઈન જોડાયા હતા તેઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રેકડાઉન કોન્સ્યુલર અધિકારીઓ સહિત DOS દ્વારા હાથ ધરવામાં આવતી સોશિયલ મીડિયા સમીક્ષાનો એક ભાગ છે. જેના પરિણામે, F (શૈક્ષણિક અભ્યાસ), M (વ્યાવસાયિક અભ્યાસ), અથવા J (એક્સચેન્જ) વિઝા માટે પણ નવા અરજદારો ચકાસણીને પાત્ર બને છે અને તેમને યુએસમાં પ્રવેશ નકારી શકાય છે. ત્યારે ઈન્સ્ટા ‘લાઈક’ માટે પણ ભારતીય અને અન્ય વિદ્યાર્થીઓને વિઝા રદબાતલનો થવાનો સામનો કરવો પડી શકે છે.
3 અઠવાડિયામાં 300થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા
નવીનતમ એક રિપોર્ટ એવું જણાવે છે કે 2023-24 શૈક્ષણિક વર્ષ દરમિયાન યુએસમાં 1.1 મિલિયન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 331,000 ભારતમાંથી હતા. ઍક અહેવાલ મુજબ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ હમાસ અથવા અન્ય નિયુક્ત આતંકવાદી સંગઠનોને ટેકો આપતા શંકાસ્પદ વિદેશી નાગરિકોના વિઝા રદ કરવા માટે ‘કેચ એન્ડ રિવોક’ નામની AI-સંચાલિત પહેલ શરૂ કરી છે. માત્ર ત્રણ અઠવાડિયામાં, આ પહેલ હેઠળ 300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે.


