- સોસાયટીઓના નાસ્તાનું ચેકિંગ નહીં થાય
- મનપા તંત્રએ પોતાની વાતમાંથી મારી પલટી
- ફેમસ બ્રાન્ડના સ્ટોલ પર કરવામાં આવશે ફૂડ ટેસ્ટિંગ
અમદાવાદ મનપાએ પોતાની જ કહેલી વાતમાંથી હવે પલટી મારી લીધી છે. પહેલા જ્યાં નવરાત્રીમાં મૂકવામાં આવતા ફૂડ સ્ટોલના ફૂડ ચેકિંગની વાત મનપાએ કરી હતી તે ફૂડ ચેકિંગ હવે નહીં થાય.
અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોને નાગરિકોના જીવન અને આરોગ્યની કોઈ ચિંતા ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. હકીકતે મનપાના સત્તાધીશોને હવે પોતાની ઈમેજનો પણ ડર નથી. આ શાસકો પોતે જ ઉચ્ચારેલી વાત પર એવી રીતે પલટી મારે છે કે જાણે કે આવી કોઈ વાત એમના મુખેથી પહેલા બોલવામાં જ નથી આવી.
હકીકતે આ મામલો નવરાત્રીમાં મનપાની આરોગ્ય શાખા દ્વારા ફૂડ સ્ટોલોનું ફૂડ ચેકિંગ કરવાના મુદ્દે સંબંધિત છે. હાલમાં જ્યાં નવરાત્રીમાં માંડ 1 દિવસની જ વાર છે ત્યારે મનપાએ તેના જૂના પ્રોમિસમાંથી પલટી મારી છે. આ પહેલા મનપા તંત્ર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સોસાયટીઓમાં નવરાત્રી દરમિયાન જે પણ નાસ્તા કે ખાદ્યપદાર્થો બનશે તેનું ચેકિંગ કરવામાં આવશે. પરંતુ હવે મનપાના સત્તાધીશોએ આ નિર્ણયથી યુટર્ન મારી લીધો છે. હવે નવી જાણકારી મુજબ સોસાયટીઓમાં નાસ્તાના ફૂડ ચેકિંગનો નિર્ણય મનપાએ કેન્સલ કર્યો છે.
જો કે આ મામલે એવી માહિતી પણ સામે આવી છે કે જ્યાં ફેમસ બ્રાન્ડનો સ્ટોલ હશે ત્યાં ફૂડ વિભાગના અધિકારીઓ જઈને સેમ્પલ લઈ તેનું ચેકિંગ કરશે ઉપરાંત જ્યાં આ ખાદ્યપદાર્થોનું ઉત્પાદન થયું હશે ત્યાં પણ આવા જ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જો કે સોસાયટીઓમાં બનતા નાસ્તાનું હવે કોઈ ટેસ્ટિંગ નહીં થાય. આમ મનપા તંત્રએ તેની કહેલી વાતમાંથી જ ગુલાંટ મારી દેખાડી છે.