- શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ
- વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે વધુ એક ભુવો
- કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં આક્રોશ
વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પડેલા ભુવા અને ખાડાઓનું હજુ રીપેરીંગ કામકાજ પૂર્ણ થયુ નથી અને તે પહેલા વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે વધુ એક ભુવાનું નિર્માણ થયું છે.
કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં પણ આક્રોશ
શહેરમાં વધુ એક ભૂવો પડવાના કારણે હવે વડોદરા ભૂવાનગરી બની હોવાનો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે. કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરીને લઈ લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધી શહેરમાં ઘણા ભૂવા પડ્યા છે અને તેના કારણે ઘણા અકસ્માતો પણ સર્જાયા છે, ત્યારે વાહનચાલકો અને સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે.
સાવલી અને ઉદલપુરના 38 કિલોમીટરના માર્ગ ઉપર ખાડા જ ખાડા
વડોદારના ડેસરથી સાવલી અને ઉદલપુરના રસ્તાની હાલત કથળેલી જોવા મળી રહી છે, ઉદલપુરથી સાવલી 38 કિલોમીટરના રસ્તા પર ક્યાં ખાડા નથી તે એક મોટો સવાલ છે, વાહન ચાલકો અને આસપાસના ગામના લોકો માટે આ રસ્તા પરથી પસાર થવુ માથાના દુખાવા સમાન છે. સ્થાનિકો જ્યારે પણ આ રસ્તાને લઈને તંત્રને રજૂઆત કરે છે, ત્યારે માત્ર એક જ જવાબ આપવામાં આવે છે કે આ રસ્તો ફોરલેન મંજૂર થયો છે, તેવી હૈયાધારણા આપીને સંતોષ માને છે. ત્યારે આ રસ્તા પર ખાડાના કારણે મોટા અકસ્માત થયા છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આ રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માગ છે અને જો રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો મોટુ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
સ્માર્ટ સીટીના તમામ રસ્તાઓ પાણીમાં ધોવાયા
ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે કહેવામાં આવતી તમામ સ્માર્ટ સીટીના રસ્તાઓ જોઈને તમે સમજી જશો કે તંત્ર કેટલી સ્માર્ટ રીતે શહેરનું ધ્યાન રાખી રહ્યું છે. રાજ્યની તમામ સ્માર્ટ સીટીના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે અને તંત્રને જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે તો એક જ જવાબ આપવામાં આવે છે કે વધુ વરસાદના કારણે ડામર ઉખડી જાય છે અને રસ્તાઓ મોટા પ્રમાણમાં ધોવાઈ જાય છે.