- વરસાદી પાણી ટપકતું હોવાથી ડોલ મુકવા મજબૂર
- તંત્રને અનેક વખત રજૂઆત છતા નિરાકરણ નહીં
- ભયના ઓથાર હેઠળ અનેક કર્મચારીઓ કામ કરે છે
વડોદરામાં 9 માળની કુબેર ભવન ઇમારતના ધાબામાંથી સતત પાણી ટપકી રહ્યા છે. અનેક સરકારી ઓફિસમાં ડોલ, પ્લાસ્ટિકના ડબ્બા મૂકવામાં આવ્યા છે. કોમ્પ્યુટર તેમજ જરૂરી દસ્તાવેજ પાણી ભરાવાથી ખરાબા થઈ રહ્યા છે.
ધાબાના સ્લેબમાંથી અનેક જગ્યાએ પડ્યા છે પોપડા
ધાબાના સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે અને સડી ગયેલા સળિયા પણ બહાર આવી ગયા છે. ભયના ઓથાર હેઠળ અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી આજ સ્થિતિ છે. વડોદરાની કુબેરભવન ઇમારત જર્જરિત બની ગઈ છે. 9 માળની ઇમારતમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. 9માં માળની અનેક કચેરીઓમાં પાણી ટપકી રહ્યા છે. ધાબાના સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે. ભયના ઓથાર હેઠળ કર્મચારીઓ કામ કરવા મજબૂર બની રહ્યા છે.
વરસાદમાં કર્મચારીઓ ટેબલ પર ડોલ મૂકીને કામ કરે છે
વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પર આવેલી 35 વર્ષ જૂની કુબેરભવનની ઇમારત જર્જરિત બની છે. 9 માળની ઇમારતના પાયાથી લઈ 9માં માળ સુધી તિરાડો અને સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે. નવમાં માળે આવેલી મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી, નાયબ કાર્યપાલક ઈજનેરની સિંચાઈ પેટા વિભાગ કચેરી, જિલ્લા ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશન, માહિતી અધિકાર નિયમનની કચેરી, શહેરી જમીન ટોચ મર્યાદા શાખા કચેરી સહિત કચેરીઓમાં ધાબાના સ્લેબમાંથી પાણી ટપકી રહ્યા છે. અનેક ઓફિસમાં વરસાદના ટપકી રહેલા પાણીને લઈ ડોલ અને પ્લાસ્ટિકના ડબલા મુકવામાં આવી રહ્યા છે. કર્મચારીઓ પોતેજ પાણી ઉલેચી રહ્યા છે. દીવાલોની તિરાડો અને ધાબાના સ્લેબ માંથી સળી ગયેલા સળીયા બહાર દેખાઈ રહ્યા છે. અનેક જગ્યાએ પોપડા ખરી રહ્યા છે. કેટલીય વાર કર્મચારીઓ પર પોપડા પડી ચુક્યા છે. ત્યારે ભયના ઓથાર હેઠળ કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરવા મજબૂર બન્યા છે. મુલાકાતીઓ પણ ગભરાય રહ્યા છે, તેમનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી ઇમારત જર્જરિત બની રહી છે ત્યારે વહેલી તકે કુબેરભવનના 9 માં માળની તમામ ઓફિસો બંધ કરાવવી જરૂરી બન્યું છે. આખી ઇમારત રીપેરીંગ કામ માંગી રહી છે. ત્યારે કોઈ અઘટિત ઘટના બને એ પહેલાં રાજ્ય સરકાર જર્જરિત થઈ રહેલી કુબેરભવન સામે નજર કરી યોગ્ય કામગીરી કરાવે એ જરૂરી છે.
વર્ષો પહેલાની જૂની કલેક્ટર કચેરી જર્જરિત થતા તે બંધ કરી નવી કલેક્ટર કચેરી બનાવવામાં આવી તેમ રાજ્ય સરકારે જર્જરિત થયેલી 9 માળની કુબેર ભવન ઇમારતને પણ બંધ કરી નવી જગ્યાએ ખસેડવી જોઈએ તેવી માંગ ઉઠી છે.