- ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના બનાવો વધ્યા
- વડોદરાના યુવાનનું કુવૈતમાં હાર્ટએટેકથી મોત
- લોકોમાં ભય અને ચિંતાનો માહોલ
ગુજરાતમાં હાલના દિવસોમાં હાર્ટએટેકથી મોતના અનેક બનાવો સામે આવ્યા છે. આ મામલાને લઈને લોકોમાં પહેલાથી જ ચિંતા અને ભયનો માહોલ છે ત્યારે વડોદરાના વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. મહત્વનું છે કે પ્રકાશભાઈ ચૌહાણ નામના યુવકનું કુવૈતમાં હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકથી મોતના પ્રમાણમાં ચિંતાજનકસ્તરે વધારો નોંધાયો છે. રોજે રોજ હાર્ટએટેકથી લોકોના મોત નોંધાઈ રહ્યા છે ત્યારે સરકાર પણ આ મામલે ચિંતાતુર બની છે અને એક કમિટીની રચના પણ કરી છે. કેન્દ્ર સરકાર હસ્તકની સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે આ બધી બાબતોની વચ્ચે વધુ એક ગુજરાતી યુવાનના મોતના સમાચાર સામે આવ્યા છે. જાણકારી પ્રમાણે વડોદરાના પ્રકાશ ચૌહાણ નામના 40 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ બનાવની વધુ વિગતો પ્રમાણે પ્રકાશ ચૌહાણનું કુવૈતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે પ્રકાશભાઈ ચૌહાણ કુવૈતમાં દરજી કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તે સવારે પોતાની નોકરી પર જવા માટે નીકળ્યો હતો ત્યારે જ તેને રસ્તામાં હાર્ટએટેક આવતા ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પહેલા દેશમાં જ હાર્ટએટેકથી મોતના બનાવો વધ્યા હતા ત્યારે હવે દેશ સિવાય વિદેશમાં પણ ભારતીયોના નાની ઉંમરે હાર્ટએટેકથી મોતના બનાવો વધતા લોકોમાં ભયનું વાતાવરણ ચોક્કસપણે વધશે.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ આપ્યું નિવેદન
એક કાર્યક્રમ માટે ભાવનગર પહોંચેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ICMR હમણાં એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ સાથે જ મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાની બચી શકાય. છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા પણ વરિષ્ઠ ડૉક્ટોરની એક ટીમ બનાવી એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.