- વાપીના ઉદ્યોગપતિઓ સાથે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની બેઠક
- બજેટમાં યુવાઓને નોકરી મળે તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું
- બેઠકમાં શહેર ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત
વાપીના વિ.આઈ.એ ખાતે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં એક બેઠક હતી, જેમાં વાપીના ઉદ્યોગપતિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વાપી શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટને દેશના તમામ લોકોએ આવકાર્યુ છે.
બજેટમાં સૌથી વધુ નોકરી યુવાનોને મળે એ ધ્યાન રાખવામાં આવ્યું: નાણા મંત્રી કનુ દેસાઈ
વધુમાં નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે આ વખતના બજેટમાં તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મહિલાઓ, યુવાઓ, નોકરિયાત વર્ગ, તેમજ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને દેશનો વિકાસ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નાના નાના ઉદ્યોગોને વધુ લાભ મળશે અને બેન્ક ધિરાણના કાયદાઓ પણ બદલાશે, જેથી કરીને MSMEમાં આવતા ઉદ્યોગો વધુથી વધુ વેગ પકડી શકે. આ બજેટમાં સૌથી વધુ નોકરી યુવાનોને મળે એ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વાપીના વિ.આઈ.એ.ખાતે મળેલી બેઠક દરમિયાન ઉદ્યોગપતિઓએ પણ બજેટને આવકાર્યુ છે.
બજેટ 2024ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આવકારતા કહ્યું હતું કે ‘વિકસિત ભારતના નિર્માણનું બજેટ’
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ હતું, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી હતી. ત્યારે બજેટની રજૂઆત બાદ વડાપ્રધાન મોદીએ પણ બજેટને આવકાર્યુ હતું અને કહ્યું કે આ બજેટ ગામ, ગરબી અને ખેડૂતોને સમર્પિત બજેટ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું હતું અને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણનું બજેટ છે.


