ધરણીધર તાલુકાના આછુંવા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર-2 કેનાલમાં આજે ફરી ગાબડું પડતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર બે દિવસ પહેલાં જ સમારકામ કરાયેલી કેનાલ તૂટી જતાં ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂકોને પાક નુકસાનની ભીતિ છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં અંદાજિત 7થી 8 કેનાલો તૂટવાના બનાવો નોંધાયા છે, પરંતુ તંત્ર દ્વારા જવાબદાર એજન્સીઓ વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી ન થતાં અનેક સવાલો સર્જાયા છે.
ગાબડું આછુંવા માઇનોર-2 કેનાલમાં પડયું છે. કેનાલ તૂટવાને કારણે મોટા પ્રમાણમાં પાણી આછુંવા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તૂટી ગયેલા કેનાલના આ ભાગનું સમારકામ બે દિવસ અગાઉ જ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ‘કાગળની જેમ’ કેનાલ તૂટી જતાં સમારકામમાં વપરાયેલી સામગ્રી અને એજન્સીની કામગીરી શંકાના ઘેરામાં છે.આ કોઈ છૂટોછવાયો બનાવ નથી. સરહદી પંથકમાં ચાલુ સિઝન દરમિયાન અંદાજે 7થી 8 જેટલી કેનાલો તૂટી હોવાના બનાવો નોંધાઈ ચૂક્યા છે. આ દર્શાવે છે કે, કેનાલ નિર્માણ અને સમારકામના કામમાં વ્યાપક બેદરકારી કે ભ્રષ્ટાચારની સંભાવના છે.સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા તંત્રની કામગીરી પર આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છેઃખેડૂતોએ માંગ કરી છે કે, તંત્ર તત્કાળ અસરથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપે, જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરે અને ખેતરોમાં થયેલા પાક નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.ખેતી માટે જીવાદોરી સમાન આ કેનાલોનું વારંવાર તૂટવું એ ખેડૂતો માટે બેવડી મુસીબત સમાન છે. એક તરફ્ પાણીની જરૂરિયાત છે, તો બીજી તરફ્ કેનાલ તૂટવાથી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. તંત્રએ આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાને લઈકડક પગલાં લેવા અનિવાર્ય છે.


