ટેકનોલોજીના યુગમાં પણ જ્યારે કેટલાક લોકો દ્વારા લગ્ન પ્રસંગોમાં લાખો-કરોડો રૂપિયાનો બેફમ ધુમાડો કરવામાં આવે છે અને ક્યાંક ક્યાંક સાસરી પક્ષ પાસેથી મોટી રકમની લાલચ જોવા મળે છે. ત્યારે થરાદ તાલુકાના પીલુડા ગામના એક શિક્ષિત ચૌહાણ પરિવારે સમાજ સુધારણા તરફ્નો એક પ્રેરણાદાયક અને અનુકરણીય પ્રયાસ કર્યો છે.
આ અનોખો કિસ્સો પીલુડા ગામના રહેવાસી હિન્દુસિંહ જૂઠસિંહજી ચૌહાણના સુપુત્ર ભૂપતસિંહ ચૌહાણના લગ્ન પ્રસંગે જોવા મળ્યો હતો. ભૂપતસિંહ ચૌહાણ હાલમાં નાયબ સેક્શન અધિકારી (Dy.SO) તરીકે સચિવાલય ખાતે ફરજ બજાવે છે. પોતાના લગ્ન પ્રસંગ નિમિત્તે, ભૂપતસિંહ ચૌહાણે અને તેમના પરિવારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો. સામાજિક વ્યવહાર ‘ટીકા દસ્તૂર’ અંતર્ગત સાસરિયા પક્ષ તરફ્થી આપવામાં આવેલ લાખો રૂપિયાની મસમોટી રકમ જતી કરીને તેમણે ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે.
ભૂપતસિંહના મોટાભાઈ નવઘણસિંહ ચૌહાણ અને સમગ્ર પરિવારે પરંપરાગત રીત-રિવાજોને મહત્વ આપવા છતાં સમાજને એક સશક્ત સંદેશ આપ્યો. તેમણે સાસરીયા પક્ષ જોડેથી માત્ર રૂ. 5,100 ની નાની રકમ ‘સુકન’ સ્વરૂપે સ્વીકારીને દહેજ પ્રથા અને ખોટા ખર્ચાઓ સામે આગવો પ્રયાસ હાથ ધર્યો છે.આ શિક્ષિત વરરાજા અને તેમના પરિવાર દ્વારા લેવાયેલા આ પ્રશંસનીય પગલાંને સાસરિયા પક્ષ તેમજ સમગ્ર સમાજ દ્વારા જોરદાર રીતે બિરદાવવામાં આવ્યું છે. તેમનો આ નિર્ણય સમાજમાં સમૂહ લગ્નને પ્રોત્સાહન, દહેજ નિષેધ અને બિનજરૂરી ખર્ચાઓ ટાળવા માટે એક નવો ચીલો ચાતરે છે અને અન્ય પરિવારો માટે પ્રેરણારૂપ બની રહેશે.


