- 10 વર્ષનું ભરતી કેલેન્ડર કાગળ પર રહ્યા જેવો ઘાટ
- 420 પશુ ચિકિત્સા અધિકારી, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી
- વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે સોમવારે આ માહિતી આપી છે
ગુજરાત સરકાર પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકોની સમયસર જગ્યા ભરી શકતી નથી. રાજ્યમાં 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ 420 પશુ ચિકિત્સા અધિકારી અને 615 પશુધન નિરીક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે સોમવારે આ માહિતી આપી છે.
ગુજરાતમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની કુલ 441 જગ્યાઓ અને પશુધન નિરીક્ષકની 754 જગ્યાઓ ખાલી હતી, તે ભરવાની કાર્યવાહી પ્રગિતમાં હોવાનું કહેવાયું હતું, જે પૈકી માંડ 31 પશુ ચિકિત્સા અધિકારી અને 139 પશુધન નિરીક્ષકોની જગ્યા ભરી શકાઈ છે. રાજ્ય સરકારે ફરી એક વાર દાવો કર્યો છે કે, 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણે પશુ ચિકિત્સા અધિકારીની વર્ગ-2ની ભરવાપાત્ર ખાલી જગાઓ સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે જ્યારે પશુધન નિરીક્ષક વર્ગ-3ની રાજ્યકક્ષાની ખાલી જગ્યા ભરવા માટેની કાર્યવાહી પ્રગતિમાં છે, આ જગા માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે.


