- ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટ્રુક ગામની ઘટના
- મૃત્યુઆંક વધવાની આશંકા, એક લાપતા
- સંગઠનો પીપલ્સ લિબરેશન આર્મી સાથે સંકળાયેલા છે
ઉત્તર-પૂર્વના રાજ્ય મણિપુરમાં હિંસાનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં મંગળવારે બે જૂથ વચ્ચે ગોળીબાર થયો, જેમાં બે લોકોના મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા. પોલીસ સૂત્રોએ કહ્યું કે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌટ્રુક ગામમાં ગોળીબારની આ ઘટના બની, જેમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. ગોળીબાર બાદ એક વ્યક્તિ લાપતા હોવાના પણ અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગત વર્ષે ત્રીજી મેએ હિંસા ભડક્યા બાદથી થોડા થોડા સમયે હિંસક ઘટનાઓ સામે આવતી રહી છે. રાજ્યમાં 18 કુકી ઉગ્રવાદી જૂથો છે, જે પૈકી કુકી રિવોલ્યૂશનરી આર્મી (KRA) અને કુકી નેશનલ આર્મી (KNA) સૌથી વધુ સક્રિય સંગઠનો છે. કુકી ઉગ્રવાદી જૂથોએ 2008માં સરકાર સાથે ત્રિપક્ષી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ગત 13 નવેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરને સશસ્ત્ર સંઘર્ષ દ્વારા ભારતથી અલગ કરવાની તરફેણ કરતા 8 મૈતી ઉગ્રવાદી સંગઠનો સામે UAPA પ્રતિબંધ લાદ્યો હતો. આ સંગઠનો પીપલ્સ લિબરેશન આર્મી સાથે સંકળાયેલા છે.


