સામાન્ય રીતે જો આપણે ઓફિસમાં મોડા પહોંચીએ તો વોરનીંગ મળે અથવા નોકરીમાંથી કાઢી મુકવામાં આવે. પરંતુ સ્પેનમાં એક એવી અજબ ઘટના બની છે કે જે સાંભળીને તમને પણ નવાઇ લાગી જશે. અહીં એક મહિલાને મોડું નહીં, પણ વહેલું ઓફિસ પહોંચવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી!
ડિલિવરી કંપનીમાં કરતી હતી કામ
આ સ્પેનિશ મહિલા એલિકેન્ટની એક ડિલિવરી કંપનીમાં કામ કરતી હતી. કરાર મુજબ તેને 7:30 વાગ્યે કામ શરૂ કરવાનું હતું, છતાં તે દરરોજ 6:45 થી 7:00 વચ્ચે ઓફિસ પહોંચી જતી. એટલે કે, તે તેના તમામ સહકર્મચારીઓ કરતાં વહેલી કામ પર આવી જતી. 2023માં તેને આ બાબતે પહેલી વારમાં ઠપકો આપવામાં આવ્યો હતો, પરંતુ મેનેજમેન્ટની ચેતવણીઓ છતાં તે આ ટેવ બદલી ન શકી.
સમય કંપનીના કામમાં ગણાતો નહોતો
કંપની મુજબ, તે વહેલી આવીને કોઈ કામ કરતી નહોતી અને તે સમય કંપનીના કામમાં ગણાતો પણ નહોતો.વારંવારની અવગણનાને “ગંભીર ગેરવર્તણૂક” માનતાં, આ વર્ષની શરૂઆતમાં તેને નોકરીમાંથી હટાવી દેવામાં આવી. મહિલા એ નિર્ણય સામે કોર્ટમાં કેસ લઇ ગઈ, પરંતુ ત્યાં પણ કોર્ટએ કંપનીનો જ પક્ષ લીધો.
કોર્ટમાં પણ કંપનીનો સાથ
યુવતીને આશ્ચર્ય થયું કે કોર્ટે તેના એમ્પ્લોયરનો પક્ષ લીધો, અને દલીલ કરી કે મેનેજમેન્ટની ચેતવણીઓને વારંવાર અવગણવાથી કર્મચારી-નોકરીદાતાના સંબંધો પર નકારાત્મક અસર પડે છે. કોર્ટના નિર્ણયમાં જણાવાયું હતું કે કર્મચારીના વર્તનથી વિશ્વાસ અને વફાદારીના સંબંધો પર નોંધપાત્ર અસર પડી છે.
ફરિયાદી વહેલા કામ પર હાજર
કંપનીની ચેતવણીઓ છતાં, ફરિયાદી વહેલા કામ પર હાજર રહેવાનું ચાલુ રાખતા રહ્યા. અંતે, એવું માનવામાં આવે છે કે કર્મચારીના વર્તનમાં વિશ્વાસ ભંગ અને અનાદર જેવા ગંભીર ગેરવર્તણૂકનો સમાવેશ થતો હતો, જેના કારણે રોજગાર સંબંધ સમાપ્ત કરવાનું વાજબી ઠેરવવામાં આવ્યું હતું


