- બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલી હિંસાને લઈને ચિંતા
- દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં સંમેલન
- સ્વામી સદાનંદ સરસ્વતીજીની અધ્યક્ષતામાં સંમેલન
અખિલ ગુજરાત સંત સંમેલનનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યુ છે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ લઘુમતી સમાજ પર થઈ રહેલી હિંસાને લઈ સંતોએ આ સંમેલન બોલાવ્યું છે. લઘુમતી સમાજ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરવા અને દુષ્કર્મોનો વિરોધ દર્શાવવા સંતોએ સંમેલન બોલાવ્યુ છે.
મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે હિન્દુસ્તાનની શાંતિને ખલેલ ન પહોંચે તેની સરકાર તકેદારી લે
દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય અને સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં સંમેલન યોજાયુ છે. જેમાં રાજ્યભરના સંતો મહંત સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારે આ દરમિયાન મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે હિન્દુસ્તાનની શાંતિને ખલેલ ન પહોંચે તેની સરકાર તકેદારી લે, આવેશમાં આવીને હિન્દુસ્તાનની શાંતિ ડહોળાય નહીં તેનું દેશવાસીઓ ધ્યાન રાખે અને વિશ્વની મહાસત્તાઓને એક થવા સંત સમાજનું આહ્વાન છે. જો હિંસા અટકશે નહિ તો વિશ્વના ખૂણેખૂણે હિન્દુઓ રહેલા છે તેમના ઉપર પણ અત્યાચાર થશે.
નિજાનંદ સ્વામીએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં જે થયું છે એ ભારત માટે રેડ કોર્નર નોટિસ
ત્યારે નિજાનંદ સ્વામીએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં જે થયું છે એ ભારત માટે રેડ કોર્નર નોટિસ છે, આ ઘટના આવતીકાલે ભારતમાં પણ બની શકે છે. હરિયાણા, કેરળ સહિત અનેક રાજ્યોમાં હિન્દુઓ પર હિંસા ભૂતકાળમાં થઈ છે, હિન્દુઓએ હવે જાગવાની જરૂર છે, વિશ્વના તમામ દેશોમાં હિન્દુઓએ અવાજ ઉઠાવવો જોઈએ.
આવનારી પેઢીઓને હિંદુ શાસ્ત્રોનું જ્ઞાન આપવું જરૂરી બન્યુ: જગદગુરુ શંકરાચાર્ય
ત્યારે આ દરમિયાન દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યએ નિવેદન આપતા કહ્યું કે બાંગ્લાદેશીઓએ વિચારવું જોઈએ કે તેઓ ક્યાં સુરક્ષિત છે, શા માટે હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? આ મુદ્દે તમામ સનાતનીઓએ એક થવું પડશે. હિંદુઓ એક થઈ બાંગ્લાદેશમાં થતા અત્યાચારોનો વિરોધ કરે, ધર્મની રક્ષા માટે આપણે એક થવું પડશે. આવનારી પેઢીઓને હિંદુ શાસ્ત્રોનું જ્ઞાન આપવું જરૂરી બન્યુ છે. હિંદુ નાસ્તિકો સામે પણ આપણે લડવાનું છે.